05 November, 2024 02:29 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
કારને આગ લગાડવાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી
પુણેના ચિંચવડ વિધાનસભાના ચૂંટણી કમિશનના ઑફિસરની ઑફિસની બહાર પાર્ક કરવામાં આવેલી કારને આગ ચાંપવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે બની હતી. આ ઘટનાને કારણે પિંપરી-ચિંચવડમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આગ વધુ લાગે એ પહેલાં જ એના પર કાબૂ મેળવી લેવાયો, કારને એથી થોડુંઘણું જ નુકસાન થયું હતું.
આ ઘટનામાં આગ લગાડનાર આરોપી સોપાન ઓવ્હાળ દિવ્યાંગ છે. તે લાંબા સમયથી સરકારી યોજના હેઠળ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)માં ઘરની માગણી કરી રહ્યો હતો પણ તેને ઘર ફાળવવામાં ન આવતાં તે નિરાશ થઈ ગયો હતો. એથી તેણે આ પગલું ભર્યું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. જોકે કારને આગ લગાવી દેવાની એ ઘટનામાં PMCના કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. પિંપરી-ચિંચવડ પોલીસે આ સંદર્ભે સોપાન ઓવ્હાળ અને તેની સાથે આવેલા તેના બે સાથીદારોને તાબામાં લીધા છે. આરોપી સોપાને આ પહેલાં ૧૫ ઑગસ્ટે પુણેના મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહની કાર તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. હવે પોલીસ તેની સામે શું પગલાં લે છે એના પર લોકોની નજર છે.