હીરાના વેપારીઓ આરટીઆઇના નામે ખંડણી માગનારા અને યુનિયનથી પરેશાન

09 February, 2024 09:04 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

મલાડ, કાંદિવલી, દ​હિસર વગેરે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કારખાનાં અને ઑફિસ ધરાવતા ગુજરાતી વેપારીઓએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મદદ માગી

દ​હિસરમાં આવેલી વર્ધમાન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, જ્યાં હીરાનાં અનેક કારખાનાં અને ઑફિસો આવેલાં છે.

કોઈ સ્લમમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાની જાણ થયા બાદબીએમસીની ટીમ પહોંચીને તોડપાણી કરતી હોવાનું આપણે સાંભળ્યું છે, પણ વર્ષો જૂના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ડાયમન્ડનાં કારખાનાં અને ઑફિસ ધરાવનારા વેપારીઓ કોઈ સમારકામ કરે છે ત્યારે તેમની પાસેથી બોગસ આરટીઆઇ કાર્યકરો અને બીએમસી દ્વારા ખંડણી માગવામાં આવતી હોવાનું જોયું કે સાંભળ્યું નહીં હોય. મલાડ, કાંદિવલી અને દ​હિસર સહિતના ભાગોમાં ડાયમન્ડનું કામકાજ કરતા વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્થાનિક સ્તરે બીએમસી કે રાજકીય સંગઠનોને માહિતગાર કરીને મદદ માગવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં સફળતા ન મળતાં હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ મામલે ઘટતું કરવાની વિનંતી કરી છે.

મુંબઈમાં આવેલી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ચાર-ચાર દાયકા કરતાં વધુ સમયથી હીરાનાં કારખાનાં કે ઑફિસ ધરાવતા વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. કોઈ કારખાના કે ઑફિસમાં સમારકામ હાથ ધરવામાં આવે છે ત્યારે બોગસ આરટીઆઇ કાર્યકરો ત્યાં પહોંચી જાય છે અને રૂપિયાની માગણી કરે છે. તમે ગેરકાયદે કામ કરી રહ્યા છો, રૂપિયા નહીં આપો તો બીએમસીમાં ફરિયાદ કરીને કામ બંધ કરાવી દઈશ વગેરે કહીને વેપારીઓને રીતસરના ધમકાવવામાં આવે છે. મોટા ભાગના વેપારીઓ કોઈ ઝંઝટમાં પડવાને બદલે આવા લુખ્ખાઓને રૂપિયા આપી દે છે એટલે આવા લોકોની હિંમત વધી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

ધ મુંબઈ ડાયમન્ડ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશનના પ્રમુખ રજની હિરપરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના હીરા પૉલિશ કરનારાઓ અત્યારે ખંડણી અને યુનિયનના ત્રાસથી પરેશાન થઈ ગયા છે. વર્ષો જૂના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કોઈ ગાળામાં સમારકામ કરાય છે ત્યારે કેટલાક લોકો આવીને ઊભા રહી જાય છે. તેઓ વેપારીઓને ધમકાવીને રૂપિયા પડાવે છે. કોઈ રૂપિયા આપવાની ના પાડે તો તેઓ બીએમસીમાં ફરિયાદ કરે છે. વારંવારની આવી બોગસ ફરિયાદ બાદ બીએમસી વેપારીને નોટિસ મોકલે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને સમારકામ કરાયા બાદ બીએમસી ઑફિસને ગેરકાયદે સીલ મારી દે છે. ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં અમે કોઈ ગેરકાયદે કામ નથી કરતા છતાં પણ આ લોકો અમે જાણે કોઈ મોટો અપરાધ કર્યો હોય એમ અમને દબાવીને રૂપિયા પડાવે છે. આના કારણે અમારું કામ કરવાનું મુશ્કેલ બની ગયું છે. સ્લમમાં ગેરકાયદે બાંધકામ સામે બીએમસી તોડપાણી કરતું હોવાનું કહેવાય છે, પણ ત્રણ-ચાર દાયકા જૂની ઑફિસના સમારકામમાં પણ તેઓ પરેશાન કરે છે. કારીગરોના યુનિયન દ્વારા પણ વેપારીઓને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે. વિવિધ રાજકીય પક્ષના નામે નેતાઓ ગમે ત્યારે અમારા કારખાના કે ઑફિસમાં આવી ચડે છે અને ફલાણા કારીગરને પાછો નહીં લેવામાં આવે તો જોવા જેવી થશે એવી ધમકી આપે છે. સ્થાનિક સ્તરે અમે બીએમસી, પોલીસ અને રાજકીય પક્ષોને આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ તેમના તરફથી કોઈ મદદ ન મળતાં આખરે અમે૧૬ જાન્યુઆરીએ ફડણવીસને આ બાબતે પત્ર લખ્યો છે. ત્રણ અઠવાડિયાં બાદ પણ અમને કોઈ જવાબ નથી મળ્યો, પણ આશા છે કે તેઓ આ બાબતે કંઈક કરશે. જો યોગ્ય સમયે અમારી સમસ્યાનો અંત નહીં આવે તો અમારે નાછૂટકે અહીંનું કામકાજ બંધ કરીને સુરત જવું પડશે. આના માટે સરકાર જ જવાબદાર રહેશે.’

prakash bambhrolia mumbai news dahisar kandivli malad mumbai right to information