22 February, 2022 08:35 AM IST | Mumbai | Bakulesh Trivedi
ભરત વી. શાહ, ભરત શાહ
મુંબઈના હીરાબજારમાં હાલ ગરમાગરમ માહોલ છે. જોકે આ ગરમી માર્કેટની તેજીને લઈને નહીં પણ વર્ષો જૂના ૧૪,૦૦૦ મેમ્બર ધરાવતા મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન (એમડીએમએ)ની ચૂંટણીને લઈને છે. એમાં પણ આ વખતે બજારમાં ડાયમન્ડ કિંગની ઓળખ ધરાવતા અને બી. વિજયકુમાર ઍન્ડ કંપનીના ભરત શાહ જે વર્ષો સુધી પ્રમુખ રહ્યા છે અને ઘણી વાર બિનવિરોધ ચૂંટાઈ આવ્યા છે તેમની સામે નવી પરિવર્તન પૅનલે ઝુકાવ્યું છે. એમાં મલાડ માર્કેટના ભરત વી. શાહ (ઘડિયાળી)એ પ્રમુખપદ માટે ઝુકાવ્યું છે. જોકે શુક્રવારે યોજાનારી એ ચૂંટણીને લઈને હાલ બન્ને પૅનલ દ્વારા કૅમ્પેન ચલાવાઈ રહ્યું છે. માત્ર બીકેસી અને ભારત ડાયમન્ડ બુર્સ જ નહીં, ઑપેરા હાઉસ અને મલાડ માર્કેટમાં પણ જોરદાર પ્રચાર કરાઈ રહ્યો છે. કાર્યશીલ પૅનલ અંતર્ગત ઝુકાવનાર ડાયમન્ડ કિંગ ભરતભાઈએ શનિવારે મલાડ માર્કેટમાં પ્રચાર મીટિંગ કર્યા બાદ ગઈ કાલે ઑપેરા હાઉસ અને પાયધુની (ઝવેરીબજાર)માં આ સંદર્ભે મીટિંગ લીધી હતી. જોકે પરિવર્તન પૅનલ દ્વારા પણ મલાડ, ઑપેરા હાઉસ અને ઝવેરીબજારમાં મીટિંગ લેવાઈ હતી.
ડાયમન્ડ કિંગ ભરત શાહ અને તેમની પૅનલ વેપારીઓ માટે શું કરવા માગે છે અને તેમનો એેજન્ડા શું છે એ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મૂળ મુદ્દો નાના વેપારીઓ કઈ રીતે આગળ આવે એ જ જોવાનું છે. બજાર તો સારું જ છે. નાના વેપારીઓને વધુ ધંધો મળે અને હૉલમાં કઈ રીતે વધુ સારી સુવિધા આપી શકાય એ અમે જોતા હોઈએ છીએ.’
આ વખતે સામે નવી પૅનલ છે તો શું વેપારીઓના મત વહેંચાઈ જશે? એવો સવાલ તેમને કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ઘણા પોતાનો સ્વાર્થ સાધવા આવતા હોય છે. હૉલમાં કોઈ આડોઅવળો આવી જાય તો સત્યાનાશ નીકળી જાય. વેપારીઓ પણ આ વાત જાણે છે એટલે વોટ તૂટવાનો સવાલ જ નથી આવતો. મને ૧૦૦ ટકા વિશ્વાસ છે કે જીત અમારી થશે.’
આ સામે પરિવર્તન પૅનલ હેઠળ પ્રમુખપદ માટે ઝુકાવનાર ભરત વી. શાહ (ઘડિયાળી)એ કહ્યું હતું કે ‘હવે કોઈને બિનહરીફ ચૂંટી લાવવાની જરૂર નથી. કોઈ પોતાની પ્રેસ્ટિજ માટે લડે છે, જ્યારે ઘડિયાળી નાના માણસોની સેવા માટે લડી રહ્યો છે. મેમ્બરો અને વેપારીઓએ જ મને પ્રમુખપદ માટે ઊભા રહેવા કહ્યું એટલે મેં ઝુકાવ્યું છે. જો કોઈ નાના વેપારીને તેમને મળવું હોય તો પહેલાં અપૉઇન્ટમેન્ટ લેવી પડે. વળી અપૉઇન્ટમેન્ટ મળે જ એની કોઈ ખાતરી નહીં. ઘડિયાળી હંમેશાં વેપારીઓ માટે અવેલેબલ છે અને ગમે ત્યારે વેપારીઓ મારો સંપર્ક કરી શકે છે. હું આ બજારમાં ૧૯૭૩થી છું અને ૧૯૮૭થી કમિટીમાં છું. મારે નાના વેપારીઓ માટે કામ કરવું છે. તેમના માટે ઘણી સ્કીમો હતી જે વખત જતાં બંધ થઈ ગઈ છે. એ ચાલુ કરવાના પ્રયાસ કરવાના છે. જેમ કે નાના વેપારીઓ માટે એલઆઇસીની સ્કીમ હતી, જે અંતર્ગત જો કોઈ વેપારીનું મૃત્યુ થાય તો તેના પરિવારને બે લાખ રૂપિયા આપવામાં આવતા હતા. એ સ્કીમ હાલ બંધ થઈ ગઈ છે. એ ફરી ચાલુ કરાય એ માટે પ્રયાસ કરવા છે. વળી અમારા એમડીએમએના મેમ્બરશિપના કાર્ડની વૅલ્યુ વધે એવું કરવું છે. જેજેઈસી (જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલ)ના એક્ઝિબિશનમાં કે અન્ય કાર્યક્રમમાં ભાગ લેવો હોય કે રજિસ્ટ્રેશન કરવું હોય તો નાના વેપારીઓએ મોટી ઑફિસ પાસેથી એ માટે લેટર લેવો પડતો હોય છે. એમ ન થતાં અમારા કાર્ડ પર જ તેમને એ સુવિધા મળવી જોઈએ. મોટી ઑફિસો તેમના વેચાણ પર નાના વેપારી દલાલભાઈઓને અડધો ટકો દલાલી આપે છે એ વધારીને એક ટકો કરવાની વિચારણા છે. નાના વેપારીને જો બે પૈસા વધુ મળશે તો એ પણ આગળ વધશે અને તેના પરિવારને મદદ થશે.’