પત્નીની ધરપકડના સમાચાર સાંભળીને ફરાર હીરાવેપારી મુંબઈ આવ્યો અને પછી પોતે પણ પકડાઈ ગયો

04 April, 2024 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે તપાસના આધારે શનિવારે તેની પત્ની જલ્પાની ધરપકડ કરી તેના ઘરેથી પાંચ લાખ રૂપિયાના ડાયમન્ડ પણ જપ્ત કર્યા હતા

શાલીન શાહ

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા ડાયમન્ડ માર્કેટના વેપારીઓ પાસેથી ૨૦૨૩માં આશરે ૨૬ કરોડ રૂપિયાના ડાયમન્ડ લીધા બાદ પૈસા ન આપવાના આરોપનો સામનો કરતો ૪૨ વર્ષનો શાલીન શાહ મંગળવાર મોડી રાત્રે ડાયમન્ડ માર્કેટ નજીક એક વેપારીને મળવા આવવાનો હોવાની માહિતી BKC પોલીસને મળતાં પોલીસે છટકું ગોઠવી તેની ધરપકડ કરી હતી. ગઈ કાલે તેને કોર્ટમાં હાજર કરતાં ૮ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

પોલીસે તપાસના આધારે શનિવારે તેની પત્ની જલ્પાની ધરપકડ કરી તેના ઘરેથી પાંચ લાખ રૂપિયાના ડાયમન્ડ પણ જપ્ત કર્યા હતા.

BKC પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે શાલીનની શોધ ચલાવી રહ્યા હતા ત્યારે તે મંગળવારે રાત્રે ડાયમન્ડ માર્કેટના જ એક વેપારીની મદદ લેવા આવવાનો હોવાની માહિતી અમને મળતાં છટકું ગોઠવી તેની ધરપકડ કરી હતી. શાલીને અમને કહ્યું હતું કે પોતાની સામે ફરિયાદ દાખલ થયા બાદ તે રાજસ્થાનના જયપુર, નેપાલ સહિત બીજાં રાજ્યોમાં ભાગતો ફરતો હતો. તેને જ્યારે ખબર પડી કે તેની પત્નીની અમે ધરપકડ કરી છે ત્યારે તે મુંબઈ આવ્યો હતો. હાલમાં તેની પાસેથી કોઈ રિકવરી કરવામાં આવી નથી.’ 

bandra bandra kurla complex diamond market bharat diamond burse Crime News mumbai mumbai news