21 November, 2023 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૬ વર્ષ પહેલાં જેનો પાયો નાખવામાં આવ્યો હતો એ સુરત ડાયમન્ડ બુર્સમાં આજથી કામકાજ શરૂ થશે
૯૮૩ વેપારીઓએ દશેરાએ ઑફિસમાં કુંભ-ઘડા મૂક્યા હતા, પરંતુ મોટા ભાગની ઑફિસના ફર્નિચરનાં કામકાજ બાકી હોવાથી એ તબક્કાવાર શરૂ થશે
વિશ્વમાં વેચવામાં આવતા પ્રત્યેક ૧૦માંથી ૯ હીરા સુરતમાં તૈયાર કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને સુરતમાં પોતાનું મોટું માર્કેટ બનાવવામાં આવ્યું છે. ૪૫૦૦ જેટલી ઑફિસ ધરાવતા આઇકૉનિક સુરત ડાયમન્ડ બુર્સમાં આજથી હીરાના વેપારના શ્રીગણેશ થઈ રહ્યા છે. મુંબઈના હીરાના ૨૬ વેપારીઓ તેમનાં કામકાજ સંકેલીને સુરતમાં આજથી બિઝનેસ શરૂ કરી રહ્યા છે. તેમના સહિત આજે અહીં ૧૩૫ વેપારીઓ હીરાનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે. દશેરાએ સુરત ડાયમન્ડ બુર્સ (એસડીબી)માં એકસાથે ૯૮૩ ઑફિસોમાં કુંભ-ઘડા મુકાયા હતા. એ પછી છેલ્લા ૨૦ દિવસથી દરરોજ ૨૦થી ૨૫ ઑફિસોમાં કુંભ ઘડા મૂકવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ૨૦૧૭માં એસડીબીનો પાયો નાખવામાં આવ્યો હતો.
સુરતના ખજોદમાં ડ્રીમ સિટી ખાતે ૪૩૦૦ જેટલી ઑફિસોનો સમાવેશ છે એવા સુરત ડાયમન્ડ બુર્સ (એસડીબી)નું નિર્માણ કરવામાં આવ્યું છે. ૧૦ વર્ષ પહેલાં એસડીબી નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દુનિયાના ડાયમન્ડના સૌથી મોટા બિઝનેસ સેન્ટરમાં આજથી ૧૩૫ હીરાના વેપારીઓ કામકાજ શરૂ કરશે. આમાં મુંબઈમાં વર્ષોથી ધંધો કરતા ૨૬ વેપારીઓ બધું સંકેલીને સુરતમાં વ્યવસાય શરૂ કરી રહ્યા છે.
એસડીબીના મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દશેરાએ ૯૮૩ વેપારીઓએ એસડીબીમાં ખરીદેલી ઑફિસમાં કુંભ-ઘડા મૂક્યા હતા. ૨૧ નવેમ્બરથી તેઓ અહીં કામધંધો શરૂ કરવા માગતા હતા, પણ આમાંથી અત્યારે ૧૩૫ ઑફિસનું કામ ૧૦૦ ટકા પૂરું થઈ ગયું છે એટલે તેઓ આજથી ઑફિસ શરૂ કરી રહ્યા છે. જેમની ઑફિસનાં કામ પૂરાં થઈ જશે તેઓ ધીમે-ધીમે અહીં કામ શરૂ કરશે. ૧૭ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે મોટા પાયે ભવ્ય ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે એટલે અત્યારે વેપારીઓ તેમની રીતે ઑફિસનું ઉદ્ઘાટન કરશે. ૨૬ કંપનીઓએ મુંબઈમાંથી તેમનું કામકાજ સંકેલી લીધું છે. તેઓ હવે એસડીબીમાંથી જ બિઝનેસ કરશે. મુંબઈમાં હીરાની દલાલી કરતા એજન્ટ્સને અહીં વધુ ફાયદો થાય અને બીજી સુવિધા મળે એ માટે ડાયમન્ડની કેટલીક કંપનીઓએ સ્પેશ્યલ ઑફર કરી છે.’
૩૫.૫૪ એકરમાં ૧૫ માળના ૯ ટાવર
સુરતમાં ખજોદ ખાતે નિર્માણ પામેલું સુરત ડાયમન્ડ બુર્સ ૩૫.૫૪ એકરમાં ફેલાયેલું છે. અહીં બાંધવામાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ ૧૫ માળના ૯ ટાવરમાં કુલ ૬૭,૦૦૦ ચોરસ મીટરમાં ૪૫૦૦ ઑફિસ છે. દરરોજ દોઢ લાખ લોકોની ઝડપથી અવરજવર થઈ શકે એ માટે ૧૩૧ લિફ્ટ બેસાડવામાં આવી છે. આ લિફ્ટની મદદથી ઇન્ટર કનેક્ટ કરવામાં આવેલા કોઈ પણ ટાવરમાં જઈ શકાશે. ૨૦૧૩માં એસડીબી રજિસ્ટર કરાયું હતું અને ૨૦૧૭માં એનું બાંધકામ શરૂ થયું હતું.