19 December, 2023 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સૈય્યદ સમીર અબેદી
ધારાવી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) દ્વારા એનો વિરોધ કરવા વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો. આ બાબતને સાધી રાજ ઠાકરેએ ગઈ કાલે બાંદરામાં આયોજિત તેમની કાર્યકરોની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર મહાવિકાસ આઘાડીની સરકારને ચીંટિયો ભરતો બહુ અણિયાળો સવાલ કર્યો હતો કે અદાણીને આ ધારાવીનો પ્રોજેક્ટ અપાયો એને ખાસ્સો ૮-૧૦ મહિનાનો સમય થઈ ગયો. હવે શું કામ વિરોધ કરવો જોઈએ? શું સેટલમેન્ટ ન થયું?
લોકસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સર્વેસર્વા રાજ ઠાકરેએ ગઈ કાલે શિવસેનાના ગઢ ગણાતા બાંદરા-ઈસ્ટના કલાનગરમાં આવેલી એમઆઇજી ક્લબમાં તેમના કાર્યકરોને સંબોધ્યા હતા. બહાર આવતાં જ પત્રકારો તેમને ઘેરી વળ્યા હતા અને સવાલો કર્યા હતા. ત્યારે રાજ ઠાકરેએ ધારાવી રીડેવલપમેન્ટ બાબતે કહ્યું હતું કે ‘મુંબઈમાં એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. તો એ પ્રોજેક્ટ અદાણીને કેમ આપ્યો ત્યાંથી બધી શરૂઆત થાય છે. અદાણી પાસે એવું તે શું છે કે ઍરપોર્ટ પણ તે જ હૅન્ડલ કરે, કોલસો પણ તે જ હૅન્ડલ કરે, બીજી મહત્ત્વની બાબતો પણ તે લોકો જ હૅન્ડલ કરી શકે. બીજા ઘણા મોટા લોકો છે. તાતા છે, અન્ય ઉદ્યોગગૃહ પણ છે; તેમની પાસે ટેન્ડર મગાવવાં જોઈતાં હતાં. ત્યાં એક્ઝૅક્ટલી કઈ રીતે પ્રોજેક્ટ બનશે એ સમજવું જોઈતું હતું, પણ એ કાંઈ થયું નહીં. અમારા ત્યાંના જે પદાધિકારીઓ છે તે અને અદાણી ગ્રુપના પણ અધિકારી સાથે વાત થઈ હતી કે અમને પહેલાં ડિઝાઇન મોકલાવો કે કઈ રીતે પૂરો પ્રોજેક્ટ બનશે. મારો એટલો જ સવાલ છે કે મહાવિકાસ આઘાડીની સરકારની ઊંઘ આજે કેમ ઊડી? આ પ્રોજેક્ટ જાહેર થયો એને આઠ-દસ મહિના થઈ ગયા હશે. આજે કેમ મોરચો કાઢ્યો? કે પછી સેટલમેન્ટ બરોબર નથી થઈ રહ્યું? શાને માટે મોરચો કાઢ્યો?’
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે ‘જ્યારે બીડીડી ચાલનું પણ રીડેવલપમેન્ટ થવાનું હતું ત્યારે હું ત્યાં ગયો હતો. તે લોકોને પણ પૂછ્યું હતું. આટલો મોટો પ્રોજેક્ટ હોય તો એમાં ઓપન સ્પેસ કેટલી હશે? સ્કૂલ-કૉલેજો કેટલી હશે? ક્યાં હશે? કેવા રસ્તા થશે? ત્યાં કેટલા લોકો રહે છે? તેમના માટે કેટલી ઇમારતો બનશે? એ બધાને માટે ટાઉન-પ્લાનિંગ જેવું કંઈ હોય કે નહીં? કે પછી એક-એક ભાગ લેવાનો અને અદાણીને આપી દેવાનો, આવું થોડું ચાલે? આ આઘાડીના લોકો હવે જાગ્યા છે. શું તેમણે આ સવાલો ત્યાં કર્યા? કે પછી મોરચા કાઢી, દબાણ લાવીને ફક્ત સેટલમેન્ટ જ કરવું છે?
રાજ ઠાકરેના આ સવાલ બાદ ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપતાં કહ્યું કે ‘હવે મને સમજાઈ રહ્યું છે કે અદાણીના ‘ચમચા’ કોણ-કોણ છે. અમે તો અદાણીને જ પૂછીએ છીએ કે આ ચમચા કેમ ખખડવા માંડ્યા? આવા લોકો જેમની પાસે અધકચરી માહિતી છે તેમણે પહેલાં તો સવાલ જ ન કરવા જોઈએ અને કરે તો હું એના જવાબ આપતો નથી. આ સંદર્ભે જે સમયે જેકંઈ થયું એ થયું જ છે. હું આજે પણ એમ જ કહું છું કે ધારાવીના લોકોના પ્રશ્ન સંદર્ભે અમે રસ્તા પર ઊતર્યા છીએ, કોઈ પણ પરિસ્થિતિમાં ધારાવીનો વિકાસ થવો જ જોઈએ. મહાવિકાસ આઘાડીના સમયે અમે થોડા દ્વિધામાં હતા કે આનું ટેન્ડર બહાર પાડવું કે સરકારે આ પ્રોજેક્ટ કરવો? અમે એ પણ નક્કી કરી લીધું હતું કે સરકાર જ એ પ્રોજેક્ટ બનાવે. એ પછી અમારી સરકાર કેમ પાડવામાં આવી.’
જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે મોરચો સેટલમેન્ટ કરવા માટે કાઢવામાં આવ્યો છે એવું કહેવાયું ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એનું ઠીકરું બીજેપી પર ફોડતાં કહ્યું કે ‘મોરચો શિવસેના અને કૉન્ગ્રેસે મળીને કાઢ્યો હતો, એમાં બીજેપી નહોતી. જો બીજેપી હોત તો ચોક્કસ સેટલમેન્ટ થયું હોત. મુંબઈને વેચવા માટે જે અદાણીની ચમચાગીરી કરે છે એવા લોકોની મને શરમ આવે છે.’
આ પહેલાંના કૉન્ટ્રૅક્ટર સાથે પણ તમને વાંકું પડ્યું હતું
ધારાવીના મુદ્દે ઉદ્ધવ ઠાકરેના મોરચા સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ કહ્યું હતું કે ‘ધારાવી ડેવલપમેન્ટના આ પહેલાંના કૉન્ટ્રૅક્ટરનો કૉન્ટ્રૅક્ટ કેમ રદ કરાયો? તમે હવે અદાણીનો વિરોધ કરી રહ્યા છો. તમે આ પહેલાંના કૉન્ટ્રૅક્ટરનો પણ વિરોધ કર્યો હતો. મને લાગે છે કે તડજોડમાં ક્યાંક બગડ્યું હશે અને એટલે જ આ બધું થઈ રહ્યું છે.’
હવે ધારાવીથી માતોશ્રી સુધી મોરચો
ઉદ્ધવ ઠાકરેના મોરચાને જવાબ આપવા માટે હવે સત્તાધારી પક્ષો બીજેપી, એકનાથ શિંદે જૂથ અને અજિત પવાર જૂથ દ્વારા ધારાવીથી મોતાશ્રી સુધી મોરચો કાઢવાની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે ધારાવીના વિકાસમાં અડચણ ઊભી કરી રહ્યા હોવાથી તેમનો વિરોધ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પ્રવકતા કિરણ પાવસકરે ગઈ કાલે પત્રકારોને મોરચા વિશે માહિતી આપતા કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે ધારાવીના હિતેચ્છુ બનીને રસ્તામાં ઊતર્યા. શિંદે સાહેબને જેમને ઘરે બેસાડ્યા તેઓ રસ્તામાં ઉતર્યાં. ધારાવી માતોશ્રીની નજીક આવેલું હોવા છતાં તેઓ વિકાસ ન કરી શક્યા. તેઓ બધા વિકાસનો વિરોધ કરે છે. પહેલા વિરોધ કરે છે અને પછી ચર્ચા કરે છે. સેટલમેંટ કરવાની તેમની આ સિસ્ટમ છે. ધારાવીના વિકાસનો વિરોધ તેમણે કર્યો છે એટલે તેમને જવાબ આપવા માટે અમે ધારાવીથી માતોશ્રી સુધી ટૂંક સમયમાં જ મોરચો કાઢીશું.