21 January, 2025 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) એસ.વી.આર. શ્રીનિવાસને કહ્યું હતું કે ‘કુંભારવાડાની જેમ ધારાવીમાં મહારાષ્ટ્ર સરકારની રદ કરવામાં આવેલી વેકન્ટ લૅન્ડ ટેનન્સી (VLT) યોજના ધારાવી નોટિફાઇડ એરિયાનો ભાગ જ છે અને તેમને કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવેલા ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ રીડેવલપમેન્ટનો લાભ મળશે. DRP પ્રોજેક્ટની સાથે જ VLT આપમેળે રદ થઈ ગઈ છે એટલે ભૂતપૂર્વ જમીનમાલિકો (ધારકો)એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેમને પુનર્વિકાસ યોજનામાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા છે. આ યોજનામાં ધારાવીમાં રહેતી કોઈ પણ વ્યક્તિ બેઘર નહીં થાય. દરેક રહેવાસીને તેનું પોતાનું સપનાનું ઘર મળશે.’
એસ.વી.આર. શ્રીનિવાસને જણાવ્યું હતું કે ‘ધારાવીમાં આવેલાં મકાનોનું અત્યારે સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. અહીં કેટલીક પ્રાઇવેટ લોકોની માલિકીની જમીનમાં સ્લમ બાંધવામાં આવ્યાં છે. સર્વેક્ષણમાં આવી જમીનના માલિકોને DRPમાં સામેલ થવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે પ્રાઇવેટ સોસાયટીઓના પ્રાઇવેટ જમીનમાલિકો પણ DRPના સર્વેક્ષણની પ્રક્રિયામાં સામેલ થશે.’