30 January, 2024 07:46 AM IST | Mumbai | Prakash Bambhroliya
મીરા રોડથી પદયાત્રા કરી રહેલા રામભક્તોએ અયોધ્યા પહોંચીને ધનુષબાણ અર્પણ કર્યું હતું.
શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર નિર્માણ થયું અને એમાં શ્રીરામના બાળસ્વરૂપની રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાનું નક્કી થયા બાદ મીરા રોડ અને ભાઈંદરના ૩૦૦ રામભક્ત પદયાત્રા કરીને ૧૦ ડિસેમ્બરે અયોધ્યા જવા નીકળ્યા હતા. ૧૫૭૫ કિલોમીટર લાંબી યાત્રામાં સખત ઠંડી વચ્ચે દરરોજ ૨૫થી ૩૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ૨૬૦ રામભક્ત ૪૯ દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે શનિવારે રાતે નવ વાગ્યે શ્રીરામનાં દર્શન કર્યાં હતાં અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપેલું ધનુષબાણ ભગવાનને અર્પણ કર્યું હતું. વિશાળ અને ભવ્ય મંદિર જોઈને જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવો અનુભવ પદયાત્રાળુઓએ વ્યક્ત કર્યો.
મીરા ભાઈંદરમાં રહેતા કેટલાક ભક્તોને અયોધ્યામાં શ્રીરામનાં દર્શન કરવાની ઇચ્છા હતી, પણ સામાન્ય પરિવારના આ લોકોને અયોધ્યા જવામાં આર્થિક મુશ્કેલી હોવાની જાણ થતાં મીરા રોડના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે અયોધ્યા સુધીની પદયાત્રાનો ખર્ચ આપવાનો સંકલ્પ કર્યો હતો. આથી ૧૦ ડિસેમ્બરે મીરા રોડથી ૧૮ વર્ષના એક કિશોર સહિત ૩૦૦ રામભક્તની પદયાત્રાની શરૂઆત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરાવી હતી. ૪૪ દિવસમાં પદયાત્રા પૂરી થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ સખત ઠંડી હોવાને કારણે યાત્રામાં અડચણ આવતાં એ ૪૯ દિવસે પૂરી થઈ હતી.
૬૦ ભક્તોની તબિયત બગડી
મીરા રોડથી અયોધ્યા સુધીની પદયાત્રાની આગેવાની કરનારા કાશીમીરામાં રહેતા રામભુવન શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડથી ૧૮ વર્ષના એક કિશોર સહિત ૩૦૦ પુરુષ રામભક્ત અયોધ્યા જવા માટે ૧૦ ડિસેમ્બરે રવાના થયા હતા. મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તાર અને મધ્ય પ્રદેશ સુધી બહુ વાંધો નહોતો આવ્યો, પણ ઉત્તર પ્રદેશમાં પહોંચ્યા ત્યારે સખત ઠંડીને કારણે પદયાત્રા કરી રહેલા ૬૦ ભક્તોની તબિયત સતત ચાલવાથી ખરાબ થતાં તેમણે અધવચ્ચેથી પદયાત્રા રોકી દેવી પડી હતી. રહેવા, ખાવાપીવાની સાથે ગરમ કપડાંની વ્યવસ્થા હોવા છતાં સતત ૪૯ દિવસ સુધી દરરોજ ૨૫થી ૩૦ કિલોમીટર ચાલવું મુશ્કેલ હતું. જોકે અમારા મનમાં શ્રીરામનાં દર્શન કરવાની તીવ્ર ઇચ્છા હતી એટલે અયોધ્યા પહોંચી શક્યા.’
વિશ્વમાં ડંકો વગાડ્યો
અયોધ્યામાં શ્રી બાલક રામનાં દર્શન કરીને પદયાત્રાળુ ભાવુક થઈ ગયા હતા. ભારત જ નહીં, આખા વિશ્વમાં આવું મંદિર ન જોયું હોવાથી અહીંનાં દર્શન કરીને ધન્ય થઈ ગયા હોવાની લાગણી અનુભવી હતી. રામભુવન શર્માએ કહ્યું હતું કે ‘અયોધ્યાનું મંદિર એટલું સુંદર અને વિશાળ બનાવવામાં આવ્યું છે કે એ જોઈને અમે તૃપ્ત થઈ ગયા હતા. મંદિર હોય તો આવું જ હોવું જોઈએ એવી ભાવના અમારા મનમાં થઈ હતી. શ્રીરામમંદિરે વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. સ્વર્ગસમાન મંદિર જોઈને એક અલગ જ અનુભૂતિ થાય છે.’
૩૦ લાખ
મીરા રોડથી શરૂ કરીને અયોધ્યા અને અયોધ્યાથી પાછા મીરા રોડ આવવા માટે પદયાત્રીઓની રહેવા, જમવા, ગરમ કપડાંથી માંડીને તમામ વ્યવસ્થા શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે કરી હતી. યાત્રાળુઓ સાથે ત્રણ આઇશર ટ્રક રવાના કરવામાં આવી હતી, જેમાં યાત્રાળુઓ માટે ત્રણેય ટાઇમ જમવાનો સામાન અને રસોઇયાની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી. રામભુવન શર્માના કહેવા મુજબ ૩૦૦ ભક્તોની લાંબી પદયાત્રા માટે ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. સખત ઠંડીને લીધે યાત્રા ૪૪ દિવસને બદલે ૪૯ દિવસ સુધી ચાલી હતી. અયોધ્યામાં ભગવાનનાં દર્શન કર્યા બાદ મોટા ભાગના રામભક્તો થોડો સમય તેમના વતનમાં રોકાઈ ગયા છે, જ્યારે ૪૦ ભક્તો વ્યવસ્થા કરવામાં આવેલાં વાહનોમાં મુંબઈ પાછા ફરી રહ્યા છે.
ધનુષબાણ અર્પણ કર્યું
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પ્રતિનિધિ તરીકે પદયાત્રાના આગેવાન રામભુવન શર્માને ધનુષબાણ આપવામાં આવ્યું હતું. અયોધ્યા પહોંચીને શ્રીરામનાં દર્શન કર્યા બાદ આ ધનુષબાણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યું હતું. આ વિશે રામભુવન શર્માએ કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મને ધનુષબાણ શ્રીરામનાં ચરણમાં અર્પણ કરવાનું કહ્યું હતું. જોકે મંદિરમાં કંઈ પણ લઈ જવાની મનાઈ હોવાથી અમે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ઑફિસ (રામકોટ)માં પ્રભારી પ્રકાશ કુમાર ગુપ્તાને એ સોંપ્યું હતું. મંદિરની સિક્યૉરિટી એટલી ચુસ્ત છે કે અહીં ચકલુંય ફરકી નથી શકતું. અહીં કૅમેરા કે મોબાઇલ સહિતની કોઈ વસ્તુ અંદર લઈ જવા નથી દેવાતી એટલે અમે દર્શન કરવાના ફોટા પણ પાડી નથી શક્યા.’