06 December, 2024 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે આઝાદ મેદાનમાં શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેતા દેવેન્દ્ર ફડણવીસ. (તસવીર -રાણે આશિષ)
મુખ્ય પ્રધાન બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે સરકારનું ક્રિકેટની ભાષામાં કર્યું વિશ્લેષણ-હવે શરૂ થઈ છે ટેસ્ટ-મૅચ
દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સાંજે શપથ લીધા બાદ મંત્રાલયમાં જઈને પહેલી કૅબિનેટ મીટિંગ કરી હતી. ત્યાર બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘અઢી વર્ષ પહેલાં એકનાથ શિંદે સાથે અમે સરકાર બનાવી ત્યારે એ પચાસ ઓવરની મૅચ હતી. એ પછી અજિત પવાર જોડાયા ત્યારે એ ૨૦-૨૦ મૅચ થઈ ગઈ હતી. જોકે હવે ટેસ્ટ-મૅચ છે અને એમાં અમારે સંયમ રાખીને ધોરણાત્મક નિર્ણય લઈને રાજ્યને આગળ લઈ જવાનું છે. વચનનામામાં અમે જે આશ્વાસનો આપ્યાં છે એ બધાં પૂરાં કરવા માટે જે પણ જરૂરી હશે એ નિર્ણય લેવામાં આવશે. અમારી આ સરકાર બધા સમાજને સાથે લઈને ચાલનારી હશે જે પારદર્શક રીતે કામ કરશે.’
લાડકી બહિણ યોજનાના સંદર્ભમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમે જે વચન આપ્યું છે એ પૂરું કરીશું. લાડલી બહેનોને દર મહિને ૨૧૦૦ રૂપિયા આપીશું. જ્યાં સુધી સ્ક્રુટિનીની વાત છે તો હું તમને સ્પષ્ટ કરી દેવા માગું છું કે જે લોકો ક્રાઇટેરિયામાં બેસતા નહીં હોય તેમની જ સ્ક્રુટિની કરવામાં આવશે.’
ત્યાર બાદ ફડણવીસે કહ્યું હતું કે અમે બદલાનું રાજકારણ નહીં કરીએ, અમે બદલ કરીને બતાવવાનું કામ કરીશું. પૂરતું સંખ્યાબળ ન હોવાને લીધે મહા વિકાસ આઘાડીના ત્રણેય પક્ષમાંથી કોઈને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ મળે એમ ન હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જો વિધાનસભાના અધ્યક્ષ વિરોધ પક્ષને વિરોધી પક્ષના નેતાનું પદ આપવાનું નક્કી કરશે તો એની સામે અમારો વિરોધ નહીં હોય. વિરોધ પક્ષનું સંખ્યાબળ ભલે ઓછું હોય, પણ તેઓ યોગ્ય વિષય હાથમાં લેશે તો એ વિષયને અમે જરૂરી સન્માન આપીશું.’
મંત્રાલયમાં લાડકી બહેનોએ ઓવારણાં લીધાં
આઝાદ મેદાનમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તેમ જ એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ તેઓ મંત્રાલય પહોંચ્યા હતા અને નવી સરકારનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ મંત્રાલય પહોંચ્યા ત્યારે તેમનું લાડકી બહેનોએ ફૂલોથી સ્વાગત કરીને ઓવારણાં લીધાં હતાં.
ખાતાંની વહેંચણીનું કામ મોટા ભાગે થઈ ગયું છે : દેવેન્દ્ર ફડણવીસ
ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાને જ શપથ લીધા હોવાથી બાકીના પ્રધાનમંડળની સોગંદવિધિ ક્યારે થશે એની તારીખને લઈને હજી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પણ રાજ્યના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘ખાતાંની વહેંચણીનું કામ મોટા ભાગે થઈ ગયું છે. નાગપુર અધિવેશન પહેલાં અમે પ્રધાનમંડળની રચના કરી દઈશું.’
મમ્મી સરિતા ગંગાધરરાવ ફડણવીસે કર્યું વિજયતિલક
દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે સાંજે શપથવિધિ માટે આઝાદ મેદાન ગયા એ પહેલાં સાગર બંગલામાં મમ્મી સરિતા ગંગાધરરાવ ફડણવીસે તેમને વિજયતિલક કર્યું હતું અને દેવાભાઉને આશીર્વાદ આપ્યા હતા.
સોમવારે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી
રાજ્યના મુખ્ય પ્રધાને ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે રાજ્યપાલને શનિવારથી ત્રણ દિવસ માટે વિધાનસભાનું સ્પેશ્યલ સેશન રાખવા કહ્યું છે. આ સત્ર દરમ્યાન વિધાનસભ્યો શપથ લેશે. ત્યાર બાદ ૯ ડિસેમ્બરે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે. ચૂંટણી થઈ ગયા બાદ રાજ્યપાલ સંબોધન કરશે.’