24 January, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર સરકારે ૧૫.૭૫ લાખ કરોડના ૬૧ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર સહી કરીને નવો રેકૉર્ડ કર્યો છે. અત્યાર સુધીમાં આટલી કિંમતના MoU ક્યારેય સહી કરવામાં નથી આવ્યા. જોકે વિરોધ પક્ષનું કહેવું છે કે જે MoU સાઇન કરવામાં આવ્યા છે એમાં મોટા ભાગની કંપની તો ભારતની જ હોવાથી તેમની સાથે MoU સાઇન કરવા માટે દાવોસ જવાની શું જરૂર હતી.
જે ૬૧ MoU સાઇન કરવામાં આવ્યા છે એમાં ૫૪ ઇન્વેસ્ટમેન્ટના છે અને ૭ સ્ટ્રૅટેજિક કો-ઑપરેશનના છે. જો આ કરાર મુજબ રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ થશે તો ૧૬ લાખ નોકરીઓની તક ઊભી થશે. ગઈ કાલે દાવોસથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભવિષ્યમાં મહારાષ્ટ્ર ડેટા સેન્ટરનું નવું કૅપિટલ બનશે. ગયા વર્ષે એકનાથ શિંદેના મુખ્ય પ્રધાનપદ હેઠળ સાઇન કરવામાં આવેલા MoUમાંથી ૯૫ ટકા અમલમાં મુકાયા છે. જપાનના સુમિટોમો ગ્રુપે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ૪૩,૦૦૦ કરોડના રોકાણ માટેના કરાર કર્યા છે.