મલાડમાં પૅન કાર્ડ જેહાદ?

22 September, 2024 12:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના પોલીસ-કમિશનરને આપ્યો તપાસનો આદેશ

દેવેન્દ્ર ફડણવીસ

મલાડમાં માલવણી અને પઠાણવાડી સહિતના મુસ્લિમોની વધુ વસ્તીવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બંગલાદેશી અને રોહિંગ્યા સહિતના બહારથી આવેલા મુસલમાનોને બોગસ પૅન કાર્ડ બનાવીને આપવામાં આવી રહ્યાં હોવાની પુરાવા સાથે ફરિયાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના ઉપાધ્યક્ષ પવન ત્રિપાઠીએ કરી છે એટલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહવિભાગ સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પવન ત્રિપાઠીએ દેવેન્દ્ર ફડણવીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે ‘મલાડમાં વસ્તીગણતરી મુજબ મુસ્લિમ ધર્મના જેટલા લોકો રહે છે એના કરતાં વધુ પ્રમાણમાં પૅન કાર્ડ બનાવવામાં આવ્યાં હોવાની માહિતી મળી છે. આથી મુસ્લિમોની વસ્તીવાળા વિસ્તારોમાં આયોજન કરીને ફેક પૅન કાર્ડ બનાવવામાં આવી રહ્યાં હોવાની શંકા છે. ઇન્કમ-ટૅક્સ વિભાગમાંથી મળેલી માહિતીમાં એવું પણ જણાઈ આવ્યું છે કે કેટલાક લોકો એકથી વધુ પૅન કાર્ડ બનાવીને એનો ઉપયોગ બ્લૅક મનીની લેવડદેવડમાં કરી રહ્યા છે. બોગસ પૅન કાર્ડ બનાવ્યા બાદ એના આધારે આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, રૅશન કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ પણ બનાવવાની શક્યતા છે. આનાથી ભારતમાં પૅન કાર્ડ જેહાદની સાથે ચૂંટણીમાં પણ બહારથી આવેલા મુસ્લિમોનો ઉપયોગ થઈ શકે છે. આથી આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવે.’

દેવેન્દ્ર ફડણવીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને મુંબઈના પોલીસ-કમિશનરને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પવન ત્રિપાઠીએ માલવણી વિસ્તારમાં રહેતી એક જ વ્યક્તિનાં અનેક બોગસ પૅન કાર્ડ દેવેન્દ્ર ફડણવીસને સોંપ્યાં હતાં એ મુંબઈ પોલીસને આપવામાં આવ્યાં છે.

mumbai news mumbai malad mumbai police mumbai crime news