દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, અટકળોમાં કેટલું સત્ય?

01 August, 2024 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણી બાદ રાજીનામું આપવાનું સૂચન કર્યું હતું

દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

Devendra Fadnavis May Become BJP National President: રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બીડીપી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી ભાજપ અધ્યક્ષનું પદ ખાલી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણી બાદ રાજીનામું આપવાનું સૂચન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની જવાબદારી લેતા દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પાસે માગ કરી હતી કે તેમને રાજ્ય સરકારમાં જવાબદારીમાંથી મુક્ત કરીને સંગઠનની જવાબદારી સોંપવામાં આવે. જોકે, પાર્ટી દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસ તાજેતરમાં જ તેમની પત્ની અમૃતા ફડણવીસ અને પુત્રી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ દેવેન્દ્ર ફડણવીસને રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તક આપવાનો નિર્ણય કર્યો છે.

જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી મોકલવામાં આવશે કે કેમ તે અંગે હજુ પણ શંકા છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપનો મુખ્ય ચહેરો અને તાકાત હોવાથી જો તેઓ દિલ્હી જશે તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન પર વિપરીત અસર પડી શકે છે.

અનિલ દેશમુખે હવે દેવેન્દ્ર ફડણવીસ પર કર્યો ગંભીર આરોપ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને અત્યારના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આરોપ અને પ્રતિઆરોપ થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં અનિલ દેશમુખે દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ કરતાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુના મામલામાં આદિત્ય ઉદ્ધવ ઠાકરેને જેલમાં બંધ કરવા માગતા હતા. દિશા સાલિયન પ્રકરણમાં આદિત્ય ઠાકરેનો સંબંધ હોવાના કાયદાકીય પુરાવાના રૂપે એક સોગંદનામું દેવેન્દ્ર ફડણવીસે સહી કરવા માટે મારી પાસે મોકલાવ્યું હતું. મેં આ સોગંદનામા પર સહી કરી હોત તો આદિત્ય અને ઉદ્ધવ ઠાકરે જેલમાં ગયા હોત. દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ એવા સમિત કદમ આ સોગંદનામું લઈને મારી પાસે આવ્યા હતા.’

જોકે જનસુરાજ્ય શક્તિ પક્ષના યુવા પ્રદેશાધ્યક્ષ સમિત કદમે આ વિશે કહ્યું હતું કે ‘અનિલ દેશમુખ એ સમયે રાજ્યના ગૃહપ્રધાન હતા. હું તેમના ઘરે ગયો હતો, પણ તેમના કહેવા પર હું ત્યાં ગયો હતો. એ સમયે તેમને ઝેડ પ્લસ સુરક્ષા હતી એટલે તેમની પરવાનગી વિના કોઈ અવરજવર ન કરી શકે. આ મીટિંગમાં તેમણે મને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને તત્કાલીન વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરીને તેમની મુશ્કેલી દૂર કરવા કહ્યું હતું. આથી દેવેન્દ્ર ફડણવીસ સાથે આ મુલાકાતને કોઈ લેવાદેવા નથી. હું અમારા પક્ષનો પદાધિકારી છું એટલે રાજકીય નેતાઓને મળું છું એટલે દેવેન્દ્ર ફડણવીસ સાથેનો મારો ફોટો હોય એમાં કંઈ નવું નથી.’ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે અનિલ દેશમુખના ગંભીર આરોપ વિશે દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપવો જોઈએ એમ કહ્યું છે. જોકે ગઈ કાલ રાત સુધી દેવેન્દ્ર ફડણવીસે આ ગંભીર આક્ષેપ બાબતે કોઈ જવાબ નહોતો આપ્યો.

devendra fadnavis bharatiya janata party maharashtra maharashtra news india news national news