06 December, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના ડબ્બાવાલા પણ ગઈ કાલે શપથવિધિ સમારંભમાં હાજર રહેવા આઝાદ મેદાનમાં આવ્યા હતા. (તસવીર- શાદાબ ખાન)
મહારાષ્ટ્રમાં ફરી એક વખત મહાયુતિની સરકાર આવી છે. આઝાદ મેદાનમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની શપથવિધિ પાર પડી હતી. નવી સરકારના પ્રધાનમંડળમાં કોને તક મળશે એની ઉત્સુકતા છે ત્યારે જાણવા મળ્યું છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સાથી પક્ષોના નેતા એકનાથ શિંદે અને અજિત પવારને કહ્યું છે કે જેમના પર ગંભીર પ્રકારના ગુના હોય એવા વિધાનસભ્યોની ભલામણ પ્રધાન બનાવવા માટે ન કરવી. આથી નવા પ્રધાનમંડળમાં નવા અને સ્વચ્છ ચહેરા જોવા મળી શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નવા અને સ્વચ્છ ચહેરા જોઈએ છીએ. ચૂંટણીના પ્રચારમાં જનતાને આપેલાં આશ્વાસન પૂરાં કરવા માટે દેવેન્દ્ર ફડણવીસ તેમના નેતૃત્વમાં નવું મહારાષ્ટ્ર ઘડવા માગે છે. આથી પ્રધાનમંડળમાં કેવા નેતાને સામેલ કરવા એ વિશેની સ્પષ્ટતા તેમણે સાથી પક્ષોના નેતા એકનાથ શિંદે અને અજિત પવાર સાથે કરી છે. સ્વચ્છ અને પારદર્શક કારભાર કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ આગ્રહી છે. અજિત પવાર મોટે ભાગે દેવેન્દ્ર ફડણવીસની સૂચના સાથે સંમત હોવાનું જણાયું છે, પણ એકનાથ શિંદેએ આ બેઠકમાં કહ્યું હતું કે શિવસેનાએ કોને પ્રધાન બનાવવા એ BJP ન કહી શકે.
ગંભીર ગુના નોંધવામાં આવ્યા હોય અને ભ્રષ્ટ નેતાને પ્રધાનમંડળમાં તક આપવાથી સરકારની છબી ખરડાઈ શકે છે અને સરકારના કામકાજને પણ અસર પહોંચશે એટલું જ નહીં, ચૂંટણીમાં આવા નેતાઓને લીધે પ્રતિકૂળ પરિણામ પણ આવતાં હોય છે એવું દેવેન્દ્ર ફડણવીસનું માનવું છે.