મુખ્ય પ્રધાનપદને લઈને ચાલી રહેલી અટકળોનો આવ્યો અંત

25 July, 2023 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે સ્પષ્ટતા કરતા સાફ શબ્દોમાં કહી દીધું કે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ રહેશે અને અજિત પવારને પણ આ વાત પહેલેથી કહી દેવામાં આવી હતી

દેવેન્દ્ર ફડણવીસ, સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર


મુંબઈ : ગયા વર્ષે જૂન મહિનાથી ચાલી રહેલા શિવસેનાના સત્તાસંઘર્ષમાં વિધાનસભાની સ્પીકર રાહુલ નાર્વેકરે બન્ને જૂથના વિધાનસભ્યોને શિવસેના બાબતે જવાબ નોંધાવવાની નોટિસ મોકલી હતી. વિધાનસભ્યોએ આ નોટિસનો જવાબ નોંધાવી દીધો છે ત્યારે ગઈ કાલે વિધાનસભ્યોની અપાત્રતા સંબંધી મહત્ત્વની અપડેટ સામે આવી હતી. સ્પીકર રાહુલ નાર્વેકરે વિધાનસભાના અધિકારીઓની બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં સ્પીકર શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા બાબતે ચર્ચા કરવામાં આવી શકે છે અને કેટલા વિધાનસભ્યોએ મુદતમાં વધારો કરવાની માગણી કરી છે એ આ બેઠકમાં જાણી શકાશે. એટલું જ નહીં, સ્પીકર શિવસેનાનાના વિધાનસભ્યોને સુનાવણી માટે પણ બોલાવી શકે છે. સ્પીકરના આ પગલાથી હવે રાજકીય વર્તુળની એના પર નજર રહેશે.
રાજ્યમાં સત્તાસંઘર્ષ પ્રકરણમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે વિધાનસભ્યોની અપાત્રતાનો નિર્ણય રાજ્યની વિધાનસભાના સ્પીકરને લેવાનો નિર્દેશ કર્યો હતો. આથી સ્પીકરે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના વિધાનસભ્યોને નોટિસ મોકલીને એક અઠવાડિયામાં જવાબ નોંધાવવાનું કહ્યું હતું. બન્ને જૂથના વિધાનસભ્યોએ નોટિસનો જવાબ નોંધાવી દીધો છે એટલે સ્પીકરે વિધાનસભ્યોની અપાત્રતા બાબતે વિધાનસભાના અધિકારીઓની બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાવાની શક્યતા છે એટલે શિવસેના સત્તાસંઘર્ષનો અંતિમ ચુકાદો ગમે ત્યારે આવી શકે છે.
જોકે આ બેઠક ક્યારે મળશે એ વિશે સ્પીકર કે બીજા કોઈએ સ્પષ્ટતા નથી કરી. આ ડેવેલપમેન્ટને લીધે ફરી એકવાર રાજ્યના મુખ્ય પ્રધાન બદલાશે એવી વાતોએ જોર પકડ્યું હતું. 
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવાણે ગઈ કાલે દાવો કર્યો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ૧૦ ઑગસ્ટે એકનાથ શિંદેના સ્થાને અજિત પવારને મુખ્ય પ્રધાન બનાવી શકે છે. અશોક ચવાણે કહ્યું હતું કે ‘આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીનો વિચાર કરીએ તો બીજેપી એકનાથ શિંદેની આગેવાનીમાં આ ચૂંટણી નહીં લડે, કારણ કે એકનાથ શિંદેનો પ્રભાવ થાણેની બહાર નથી એટલે બીજેપી પાસે એકમાત્ર પર્યાય અજિત પવાર છે. ૧૦ ઑગસ્ટે રાજ્ય સરકાર એકનાથ શિંદે બાબતે મોટો નિર્ણય લઈ શકે છે. અજિત પવારની રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં મજબૂત પકડ છે એનો ફાયદો લેવા માટે બીજેપી આ ખેલ ખેલી શકે છે.’
બીજી બાજુ, અજિત પવાર કૅમ્પમાંથી પણ તેઓ ગમે ત્યારે સીએમ બનશે એવી વાતો વહેતી કરવામાં આવી હતી. જોકે આ બધા વચ્ચે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતા સાફ શબ્દોમાં કહી દીધું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ રહેશે અને અજિત પવારને પણ આ વાત પહેલેથી કહી દેવામાં આવી હતી અને તેમણે એ સ્વીકારી પણ લીધું છે.
ઓબીસી આરક્ષણ અને મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે આજે ચુકાદો?
મહારાષ્ટ્રમાં મુંબઈ અને થાણે સહિતની મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત ક્યારનીય પૂરી થઈ ગઈ છે. ઘણી મહાનગરપાલિકાની મુદત પૂરી થયાને બેથી ત્રણ વર્ષ થયાં છે. પહેલાં કોવિડ મહામારી અને ત્યાર બાદ ઓબીસી આરક્ષણ અને રાજકીય ઊથપાલપાથલને લીધે મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યભરની તમામ ચૂંટણીઓ નથી યોજાઈ. વચ્ચે થોડા સમયમાં બીએમસીની ચૂંટણી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જોકે સત્તાધારી બીજેપી અને સાથી-પક્ષો દ્વારા હજી સુધી આ મામલે અંતિમ નિર્ણય લેવાયો નથી. ખાસ કરીને ચૂંટણી સંબંધી ઓબીસી આરક્ષણનો સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ છે. 
આ મામલે ગઈ કાલે મહત્ત્વની માહિતી સામે આવી હતી. ઓબીસી આરક્ષણ અને મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે ટૂંક સમયમાં ચુકાદો આવે એવી શક્યતા છે. આજે એટલે કે ૨૫ જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં આ સંબંધે સુનાવણી છે. 

mumbai news eknath shinde devendra fadnavis ajit pawar maharashtra political crisis