08 June, 2024 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને સહયોગી પક્ષોનો કારમો પરાજય થતાં મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્ય પ્રધાન અને BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે પરાજયની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ સંબંધે પક્ષના વરિષ્ઠ નેતાઓની મુલાકાત કરવા માટે તેઓ બે દિવસથી દિલ્હીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે અને ગઈ કાલે બપોર બાદ દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બન્ને નેતા વચ્ચે દોઢ કલાક ચર્ચા થઈ હતી. બાદમાં અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્ર સરકારની શપથવિધિ થઈ ગયા બાદ મહારાષ્ટ્રની ચર્ચા કરવામાં આવશે, ત્યાં સુધી તમે તમારું કામ ચાલુ રાખો એમ કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી થોડા સમય સુધી દેવેન્દ્ર ફડણવીસનો રાજીનામાનો મામલો ટળ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહ સાથેની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં થયેલા પરાજયને લીધે નહીં પણ રાજ્યમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. સરકારની જવાબદારીમાંથી મુક્ત થઈને પક્ષના નીચલા સ્તરના કાર્યકરોથી લઈને સ્થાનિક સ્તરના નેતાઓની સમસ્યા સમજીને મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણી માટે કામ કરી શકીશ.’ સરકારની બહાર રહીને પણ સરકાર વ્યવસ્થિત ચાલશે એવો વિશ્વાસ પણ દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સમક્ષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.