પરોઢિયે થયેલી શપથવિધિ​ની જાણ શરદ પવારને હતી જ

15 February, 2023 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસે ત્રણ વર્ષે કર્યો ઘટસ્ફોટ : તેમનું કહેવું છે કે મારી સાથે બે વખત વિશ્વાસઘાત થયો, જેમાં ઉદ્ધવ ઠાકરેએ કરેલો વિશ્વાસઘાત વધારે મોટો હતો

ફાઇલ તસવીર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક ન્યુઝ-ચૅનલને આપેલી મુલાકાત વખતે કરેલા ઘટસ્ફોટને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એમાં પણ મુખ્ય મુદો એ રહ્યો હતો કે બીજેપી અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની સરકારની શપથવિધિ​ પરોઢિયે કરાઈ હતી એ શપથવિધિ​ની જાણ એનસીપીના સર્વેસર્વા શરદ પવારને હતી અને તેમની સાથે બધું નક્કી થયા બાદ જ એ નિર્ણય લેવામાં આવ્યો હતો એમ જ્યારે બહુ સ્પષ્ટપણે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ત્યાર બાદથી અનેક રાજકારણીઓનાં ભવાં ઊંચકાયાં છે અને તેઓ એ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અજિત પવારે પાર્ટી સાથે દગો કરીને ગુપચુપ બીજેપી સાથે મળીને સરકાર સ્થાપી હતી, પણ દેવેન્દ્ર ફડણવીસના આ ઘટસ્ફોટ બાદ સમીકરણો બદલાય જાય તો નવાઈ નહીં.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મારી સાથે બે વખત ​વિશ્વાસઘાત થયો હતો. પહેલી વાર ઉદ્ધવ ઠાકરેએ કર્યો અને બીજી વાર રાષ્ટ્રવાદીએ કર્યો હતો. જોકે ઉદ્ધવ ઠાકરેએ કરેલો વિશ્વાસઘાત વધારે મોટો હતો, કારણ કે તેઓ અમારા સાથી હતા. રાષ્ટ્રવાદીએ જે વિશ્વાસઘાત કર્યો હતો એ પ્રમાણમાં નાનો હતો, કારણ કે તેઓ અમારા સાથી નહોતા.’

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી બીજેપી અને શિવસેના સાથે મળીને લડ્યાં હતાં. એ વખતે મોદીસાહેબ, અમિત શાહજી અને જે. પી. નડ્ડાસાહેબે મંચ પરથી જાહેર કર્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રહેશે. એ બાબતની જાણ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને હતી અને એ જાહેરાતને તેમણે પણ તાળીઓ પાડીને વધાવી લીધી હતી. જોકે ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછી તેમને મળેલી સીટનો આંકડો જોઈને તેમને અંદાજ આવી ગયો હતો કે જો બીજા સાથે સરકાર બનાવાય તો તેઓ મુખ્ય પ્રધાન બની શકે એમ છે એટલે તેમણે રાષ્ટ્રવાદી અને કૉન્ગ્રેસ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. અમને જાણ થઈ કે એ મારી સાથેનો મોટો વિશ્વાસઘાત હતો, કારણ કે તેઓ અમારા સાથી હતા. એ વખતે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાનની ખુરસી એટલી પ્રિય થઈ પડી કે તેમણે અમારી સાથે ચર્ચા પણ નહોતી કરી અને મારો ફોન પણ ઉપાડ્યો નહોતો. એ વખતે અમને રાષ્ટ્રવાદી તરફથી ઑફર આવી કે અમારે સ્ટેબલ ગવર્નમેન્ટ જોઈએ છે એટલે આપણે સરકાર બનાવીએ. આ રાજકારણ છે. અમને જ્યારે વિશ્વાસઘાત થયાની જાણ થઈ ત્યારે મોં વકાસીને બેસી ન રહેવાય. એટલે અમે આગળ વધ્યા અને એ બદલ ચર્ચા કરી અને બહુ સ્પષ્ટ કહીશ કે એ ચર્ચા શરદ પવારસાહેબ સાથે જ થઈ હતી. એ ચર્ચા કાંઈ નીચલા સ્તરે નહોતી થઈ. તેમની સાથે ચર્ચા થઈ એ પછી બધું નક્કી થયું અને એ પછી કઈ રીતે બધું બદલાઈ ગયું એની જાણ તો બધાને છે જ. એથી ત્યારે પણ અમારી સાથે એક રીતે જોતાં વિશ્વાસઘાત જ થયો હતો.’

આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડીની સરકાર આવી ત્યારે તેમને ખોટા કેસમાં ભેરવી દઈને જેલમાં નાખવાના પ્રયાસ થયા હતા. એ માટે ખોટા દસ્તાવેજ પણ ઊભા કરવામાં આવ્યા હતા, પણ તેમનાથી એ થ‌ઈ ન શક્યું. તેમની એટલી તાકાત નથી, હિંમત પણ નથી અને ક્ષમતા પણ નથી, કારણ કે મેં કંઈ ખોટું કર્યું જ નહોતું. મને જેલમાં ધકેલવા મુંબઈના પોલીસ કમિશનરને સુપારી આપવામાં આવી હતી; પરંતુ હું પાંચ વર્ષ ગૃહપ્રધાન રહી ચૂક્યો હતો, મારા પણ ગૃહ ખાતામાં સંબંધ હતા. મેં ક્યારેય રૂપિયા લઈને કોઈ અધિકારીની પોસ્ટિંગ કરાવી નહોતી. મેં મેરિટ જોઈને પોસ્ટિંગ કર્યું હતું.’ 

સંજય રાઉતનું શું કહેવું છે?
દેવેન્દ્ર ફડણવીસના ‘મને જેલમાં નાખવાના પ્રયાસ કરાયા’ના વ્યક્તવ્ય સામે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે ‘વિરોધીઓને જેલમાં નાખવાની વિકૃતિ શિવસેના નહીં, બીજેપી ધરાવે છે. દેવેન્દ્ર ફડણવીસને ડર હતો કે તેમને જેલમાં નખાશે, કારણ કે તેમણે ખોટું કર્યું હતું. બીજેપીની સરકાર વખતે અમારા બધાના ફોન ટૅપ થતા હતા. આ બહુ મોટો ગુનો છે. એ કેસના અધિકારીઓને બઢતી આપવામાં આવી. તેમની સામેની તપાસ પણ રોકી દેવામાં આવી. આમ તેમને ડર હતો કે તેમને જેલમાં નાખી દેવાશે.’ 

mumbai mumbai news indian politics maharashtra devendra fadnavis sharad pawar uddhav thackeray