06 April, 2023 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અનેક નેતાઓની જનસભા માટે માનીતા દાદરના શિવાજી પાર્કમાં ઊડતી ધૂળને કારણે આસપાસના રહેવાસીઓને અને ખાસ કરીને સિનિયર સિટિઝનો તેમ જ બાળકોને શ્વાસને લગતી સમસ્યાઓ થઈ રહી છે. તેમણે પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આ બાબતની જાણ કરીને પગલાં લેવાની રજૂઆત કરી છે. જોકે સ્થાનિક સ્તરે બીએમસીનું કહેવું છે કે અમે પાણી છાંટીને એના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ.
શિવાજી પાર્કમાં ઊડતી ધૂળને કાબૂમાં રાખવા ૨૦૨૧માં પહેલાં માટી નાખવામાં આવી હતી. એ પછી ત્યાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને સ્પ્રિન્કલર્સ પદ્ધતિથી ઘાસ ઉગાડવાનો બીએમસીનો પ્લાન હતો. એ માટે મહાવિકાસ આઘાડીની સરકારે એક કરોડ રૂપિયાનો ત્રણ વર્ષનો કૉન્ટ્રૅક્ટ પણ આપ્યા હતો. જોકે ત્યાર બાદ આવેલી સરકારે એ કૉન્ટ્રૅક્ટ રદ કર્યો હતો અને હવે શિવાજી પાર્કનું એ મેદાન બીએમસી દ્વારા જ મેઇન્ટેઇન કરાઈ રહ્યું છે. જો ઘાસ ઊગે તો ધૂળ ન ઊડે એ સાદું ગણિત હતું. જોકે એ અમલમાં ન આવતાં ધૂળનું સામ્રાજ્ય પ્રસરેલું છે અને એને કારણે હેલ્થ પર અસર થઈ રહી હોવાની શિવાજી પાર્કની આસપાસ રહેતા લોકોની ફરિયાદ છે.
આ બાબતે મુંબઈ મહાનગરપાલિકાના જી-નૉર્થ વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર અનમોલ ગાવિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવાજી પાર્કનું ક્લીનિંગ અને એમાં પાણી છાંટવાનું કામ અમે રોજ કરીએ છીએ. સાંજ પછી શિવાજી પાર્કના રહેવાસીઓ અહીં હાજર જ હોય છે અને અમે તેમની સામે જ બીએમસીની પાણી-સપ્લાયની લાઇનમાંથી ધૂળને ડામી દેવા પાણી છાંટીએ છીએ. એ સિવાય અમારો સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ અહીં કચરો ન થાય એનું ધ્યાન રાખે છે અને જે કંઈ કચરો હોય છે એ ઉપાડી લે છે. આ ઉપરાંત અહીં હૉકર્સની સમસ્યા ન સર્જાય એ માટે પણ પગલાં લેવાતાં હોય છે.’
તેમને ઘાસ ઉગાડવાના એક કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટનું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે એ વિશે મને કોઈ જાણ નથી. આ સદંર્ભે વૉર્ડ ઑફિસર પ્રશાંત સપકાળેનો સંપર્ક કરાયો ત્યારે તેમણે કહ્યું કે એ બધું અનમોલ ગાવિત જ સંભાળે છે અને તે જ એ બાબતે કહી શકે છે. એમ કહીને તેમણે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.