18 August, 2023 01:05 PM IST | Mumbai | Priti Khuman Thakur
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરારમાં મુશળધાર વરસાદ થવાથી પાણી પહોંચાડતા ડૅમ ભરાઈ ગયા હોવા છતાં લોકોને દર પાંચ દિવસે પાણીપુરવઠો મળી રહ્યો છે. બીજી બાજુ લાંબા સમય પહેલાં મોટી જાહેરાતો કરાઈ હોવા છતાં વસઈ-વિરારને હજી સુધી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) પાસેથી ૧૬૫ મિલ્યન લિટર વધારાનું પાણી માર્ચ મહિનામાં અને ત્યાર બાદ જૂન મહિનામાં વસઈ તાલુકાના દરવાજા પર પહોંચવાનું હતું, પરંતુ એ પાણી કયાં ગયું એ સમજાતું નથી. ત્યારે આ પાણીપુરવઠો કેમ નથી આવી રહ્યો એ મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. ઉદ્ઘાટનનો કાર્યક્રમ થવાનો હોવાથી પાણી આવવામાં વિલંબ થઈ રહ્યો છે કે કેમ એવો પણ પ્રશ્ન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ મામલે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ એમએમઆરડીએ પર જવાબદારી નાખી દીધી છે, જ્યારે એમએમઆરડીએએ પાણીની ચૅનલોની સફાઈ ચાલી રહી હોવાનું કહીને હાથ ઉપર કરી દીધા હોય એવું લાગે છે. જોકે આ બધાના કારણે લોકોને હજી પણ થોડા દિવસો સુધી હાલાકી ભોગવવી પડશે.
માર્ચ પછી જૂન પણ ગયો
વસઈ-વિરારને સૂર્યા પ્રકલ્પ ફેઝ-૧ અને ૩માંથી ૨૦૦ મિલ્યન લિટર, ઉસગાવ ડૅમમાંથી ૨૦ એમએલડી, પેલ્હાર ડૅમમાંથી ૧૦ એમએલડી એમ કુલ ૨૩૦ મિલ્યન લિટર પાણી મળી રહ્યું છે. હાલમાં મહાનગરપાલિકા દરરોજ ૧૪૦ મિલ્યન લિટર પાણીની અછતનો સામનો કરી રહી છે. અછતની સમસ્યાને દૂર કરીને પાણીની સમસ્યા ઉકેલવા માટે એમએમઆરડીએ સૂર્યા પ્રાદેશિક પ્રકલ્પની ૪૦૩ મિલ્યન લિટર પાણીની યોજના છે. એમાંથી વસઈ-વિરાર શહેરને લગભગ ૧૬૫ મિલ્યન લિટર પાણી ઉપલબ્ધ થવાનું છે. ૨૦૨૩ના માર્ચ મહિનાના અંત સુધીમાં આ પાણી લાવવામાં આવશે એવી જાહેરાત એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ કામમાં વિલંબ થતાં જૂન સુધી પાણી આપવામાં આવશે એમ પણ જણાવાયું હતું, પરંતુ હજી આ પાણીનો કોઈ અતોપત્તો લાગ્યો જ નથી.
આ યોજના હેઠળના ૧૬૫ મિલ્યન લિટર પાણીમાંથી ૮૦થી ૯૦ મિલ્યન લિટર પાણી કાશીદકોપર એમબીઆરમાં જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉપલબ્ધ થયું હતું. આ વધેલા પાણીને વસઈ-વિરારમાં વિતરણ કરવાના દૃષ્ટિકોણે ૨૩ જુલાઈના કાશીદકોપર ખાતે સૂર્યા યોજનાની મુખ્ય પાણીની ચૅનલના જોડાણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે સૂર્યા પાણી પ્રોજેક્ટ ફેઝ-૧ અને ફેઝ-૩નો સમગ્ર પાણીપુરવઠો ૨૩ જુલાઈથી ૧૨થી ૧૮ કલાક માટે બંધ પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાણીનું પ્રેશર ટેસ્ટ અને વૉશઆઉટ કામ કરીને પાણી આપવાનું હતું. સૂર્યા પ્રોજેક્ટનું વધારાનું પાણી વસઈ તાલુકાના દરવાજા સુધી પહોંચતાં વસઈ-વિરારના નાગરિકો ખૂબ ખુશ અને આશાવાદી બન્યા હતા, પરંતુ હજી સુધી આ પાણી આવ્યું ન હોવાથી અને વરસાદ પણ શરૂ હોવા છતાં નાગરિકોને પાણીપુરવઠામાં અછતને કારણે હાલાકી ભોગવવી પડી રહી હોવાથી નિરાશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમે તો તૈયાર છીએ
વસઈ-વિરાર મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે સુધરાઈ દ્વારા તો તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે અને સુધરાઈ ગમે ત્યારે પાણી લેવા તૈયાર છે, પરંતુ એમએમઆરડીએ દ્વારા જ પાણી આપ્યું નથી. આ માટે મહાનગરપાલિકા દ્વારા ૬૫ કરોડ રૂપિયાનું ફન્ડ પણ મંજૂર કરીને પાણીની ચૅનલો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાશિદકોપર, વિરાર ફાટા, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં સમાંતર પાણીની ચૅનલો નાખવામાં આવી છે.
૧૫ દિવસ લાગશે
એમએમઆરડીએ વિભાગના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વસઈ-વિરારને સૂર્યા પ્રકલ્પમાંથી ૧૮૫ એમએલડી પાણીપુરવઠો મળવાનો છે. એમાંથી ૧૬૫ એમએલડી પાણી વસઈ તાલુકાને, ૧૫ એમએલડી ગામમાં, પાંચ એમએલડી પાલઘરમાં જશે. પાણીની પાઇપલાઇન પણ નખાઈ ગઈ છે, ફક્ત હાલમાં અમે પાણીની ચૅનલો સાફ કરી રહ્યા છીએ. જ્યાં સુધી પાણીની ચૅનલો સાફ નહીં થાય ત્યાં સુધી પાણી આપી શકાશે નહીં. એનું કામ ચાલી રહ્યું હોવાથી આ કામ આગામી ૧૫ દિવસ સુધી ચાલુ રહેશે. એથી ટૂંક સમયમાં જ વસઈ-વિરારને વધારાનું પાણી મળશે.’
મીરા-ભાઈંદરને આવતા વર્ષે
વસઈ-વિરાર સાથે મીરા-ભાઈંદરને પણ એમએમઆરડીએ દ્વારા વધારાનું પાણી મળવાનું છે. આ વિશે માહિતી આપતાં એમએમઆરડીએના એન્જિનિયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં પાઇપલાઇન નાખવાનું અને ટાંકીનું કામ ચાલી રહ્યું છે. મુખ્ય સમસ્યા એ છે કે અહીં ૧૩૨ કે.વી.નું લાઇટ કનેક્શન જોઈતું છે. એથી ઇલેક્ટ્રિસિટીનું કામ ટ્રાન્સમિશન કંપનીને આપવામાં આવ્યું હોવાથી એ એપ્રિલ મહિના સુધીમાં પૂરું થશે. એથી મીરા-ભાઈંદરને મે-૨૦૨૪ સુધીમાં વધારાનો પાણીપુરવઠો મળી રહેશે.’