06 February, 2025 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં શિયાળામાં હવાની ક્વૉલિટીમાં સુધારો થયો છે, પણ હજી દેવનાર, મલાડ-વેસ્ટ અને માઝગાવની હવામાં આરોગ્ય માટે જોખમી ઝેરી કણો હોવાનું જણાઈ આવ્યું છે. બિનસરકારી સંસ્થા વાતાવરણ ફાઉન્ડેશને મુંબઈમાં ૨૦૨૦-’૨૧ અને ૨૦૨૪-’૨૫માં ઑક્ટોબરથી જાન્યુઆરી દરમ્યાન રહેલી હવાનું ઍનૅલિસિસ કર્યું હતું જેમાં છેલ્લાં ચાર વર્ષમાં ખરાબ અને મધ્યમ હવા રહી હોય એવા દિવસોમાં ઘટાડો થયો છે અને સારી અને સંતોષજનક હવા વધુ દિવસ નોંધાઈ છે.
એક ક્લાઇમેટ ટેક પ્લૅટફૉર્મે મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનામાં પ્રદૂષણ કેવું હતું એનો અભ્યાસ કર્યો તો એમાં દેવનાર, મલાડ-વેસ્ટ અને માઝગાવની હવામાં ઝેરી રજકણોનું પ્રમાણ વધારે મળી આવ્યું હતું.
આ ટેક પ્લૅટફૉર્મની સ્ટડી મુજબ દેવનારમાં હવામાં સૌથી વધુ ઝેરી રજકણો મળી આવ્યા હતા. શહેરના બીજા વિસ્તારોમાં હવાની ક્વૉલિટીમાં સુધારો નોંધાયો હતો, પણ માઝગાવ અને કાંદિવલી-વેસ્ટમાં દેવનાર જેવી જ હાલત હતી. આની સામે બોરીવલી-ઈસ્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટર્મિનલ-ટૂમાં હવાની ક્વૉલિટીમાં સુધારો જોવા મળ્યો હતો. હવામાં રહેલા આ ઝેરી કણોને લીધે કૅન્સર થવાની શક્યતા રહે છે અને એ ફેકસાંના માધ્યમથી લોહીમાં પ્રવેશે છે.