Delhi Rains: દિલ્હીમાં એક જ દિવસમાં ૪ મહિના જેટલો વરસાદ, આઠનાં મોત

29 June, 2024 06:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીમાં વરસાદ (Delhi Rains)ના કારણે અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં છે. ગઈકાલે 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે (28 જૂન) દિલ્હી (Delhi Rains)માં ચોમાસાએ હૃદયદ્રાવક એન્ટ્રી કરી હતી. 24 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો, જે જૂન 1936માં 9.27 ઈંચ પછી એક જ દિવસમાં બીજો સૌથી વધુ વરસાદ હતો. આ સાથે માત્ર જૂન જ નહીં, પરંતુ માર્ચથી લઈને અત્યાર સુધી એટલે કે 4 મહિનાનો ક્વોટા પણ પૂરો થઈ ગયો છે.

દિલ્હીમાં વરસાદ (Delhi Rains)ના કારણે અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં છે. ગઈકાલે 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. શુક્રવારે રાત્રે એક નિર્માણાધીન બીલ્ડિંગમાં ત્રણ મજૂરો ખાડામાં પડી ગયા હતા. વરસાદના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયા હતા. આજે સવારે ત્રણેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

હવામાન વિભાગે શનિવારે (29 જૂન) 27 રાજ્યોમાં ભારે વરસાદ (Delhi Rains)ની ચેતવણી જારી કરી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

હિમાચલ પ્રદેશના શિમલા, સોલન, કાંગડા, ચંબા, સિરમૌર અને મંડીમાં 29-30 જૂન માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.

‘દિલ્હી માટે અમારું હવામાન અનુમાન મોડલ નિષ્ફળ ગયું’

ગુરુવાર-શુક્રવારે દિલ્હીમાં રેકૉર્ડ બ્રેકિંગ વરસાદને કારણે રસ્તાઓ પર 4-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. આ પછી હવામાન વિભાગે કહ્યું કે અમારું વેધર મોડલ દિલ્હીના વરસાદની આગાહી કરવામાં નિષ્ફળ ગયું. 26 જૂનના રોજ, હવામાન વિભાગે પણ 29 અને 30 જૂને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી હતી, પરંતુ શુક્રવારે (28 જૂન) સવારે કોઈને પણ મુશળધાર વરસાદની અપેક્ષા નહોતી. 28 જૂન માટે માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા સાથેના જોરદાર પવનની આગાહી કરવામાં આવી હતી.

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ચોમાસાની પૂર્વ શાખાના કારણે પશ્ચિમ બંગાળ, બિહાર અને યુપી સુધી વધુ વરસાદ થયો નથી. ધીમે-ધીમે ચોમાસું વધી રહ્યું હતું, પરંતુ અચાનક મધ્યપ્રદેશથી વરસાદ આવ્યો. આટલી બધી ભેજની કોઈને અપેક્ષા નહોતી. મોડેલ તેને પકડી શક્યું નહીં.

દિલ્હી ઉપરાંત ચોમાસાએ શુક્રવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, બંગાળ, ઉત્તરાખંડ, હરિયાણા, યુપી અને રાજસ્થાનના બાકીના ભાગોને પણ આવરી લીધા હતા. IMDનો અંદાજ છે કે ચોમાસું દેશના બાકીના ભાગોમાં બે દિવસમાં પહોંચી જશે. જો આવું થાય, તો તે નિર્ધારિત તારીખના એક અઠવાડિયા પહેલા સમગ્ર દેશને આવરી લેશે.

new delhi indian meteorological department india national news