16 October, 2023 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીથી પકડવામાં આવેલો આરોપી ધરમપાલ સિંહ
પોલીસના કન્ટ્રોલ રૂમમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકીના બોગસ કૉલ બંધ થવાનું નામ નથી લેતા. શનિવારે રાત્રે કન્ટ્રોલ રૂમમાં તાજ હોટેલમાં બૉમ્બ મૂકવામાં આવ્યા છે અને એક કલાકની અંદર ધડાકા થશે એવા એક-બે નહીં પણ ૨૮ કૉલ આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ધમકીનો કૉલ આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે હોટેલ તાજની આસપાસ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એક કલાક બાદ કંઈ ન થતાં પોલીસે ફોન કરનારની તપાસ કરતાં તે નવી દિલ્હીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસે નવી દિલ્હી પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ શા માટે ધમકીના કૉલ કર્યા હતા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે મુંબઈના ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં નનામો કૉલ આવ્યો હતો કે હોટેલ તાજમાં બૉમ્બ મૂકવામાં આવ્યા છે અને એક કલાકની અંદર બૉમ્બધડાકા શરૂ થઈ જશે, બચાવી શકો તો બચાવી લો. આવો ફોન આવ્યા બાદ ફાયર બ્રિગેડે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.
પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી હતી અને તાત્કાલિક ધોરણે તાજ હોટેલની આસપાસ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમ જ ડૉગ્સ તેમ જ બૉમ્બ-સ્ક્વૉડને તહેનાત કરી દીધી હતી. પોલીસે હોટેલની અંદર પણ સઘન તપાસ કરી હતી. જોકે અંદર કે આસપાસ કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી એટલે પોલીસે રાહતનો દમ લીધો હતો.
ધમકીનો કૉલ બોગસ હોવાનું જણાતાં મુંબઈ પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો એની ચકાસણી કરતાં એ નંબરથી મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને ૨૮ વખત ફોન કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું. આથી પોલીસે અજાણ્યા ફોન કરનારા સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં જણાયું હતું કે ધમકીનો કૉલ નવી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના ધરમપાલ સિંહ નામના યુવાને કર્યો હતો. આથી મુંબઈ પોલીસે નવી દિલ્હી પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી હતી. તેણે આવો ફોન શા માટે કર્યો હતો એની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ધમકીના નનામા કૉલ થવાની સંખ્યામાં વધારો થયો છે, જે પોલીસ માટે માથાના દુખાવો બની ગયો છે. જોકે આતંકવાદીઓના નિશાન પર મુંબઈ કાયમ હોય છે એટલે પોલીસ હંમેશાં આવા કૉલને ગંભીરતાથી લે છે.