28 November, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) ન હોય તો સોસાયટીને ડીમ્ડ કન્વેયન્સ ન આપી શકાય એવા ડેપ્યુટી રજિસ્ટ્રારના ચુકાદાને મુંબઈ હાઈ કોર્ટે રદબાતલ કર્યો હતો. બાંદરાની એએલજે રેસિડન્સી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના કેસમાં ડેપ્યુટી રજિસ્ટ્રારે એવું નોંધ્યું હતું કે જે સોસાયટી પાસે OC ન હોય અને જેના બે માળ ગેરકાયદે હોય એવી સોસાયટીને ડીમ્ડ કન્વેયન્સ ન આપી શકાય. જોકે હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘આ કેસમાં બિલ્ડરે પોતાની ફરજ પૂરી ન કરતાં ફ્લૅટ ખરીદવાવાળા તકલીફમાં આવી ગયા છે. આ લોકોએ મહારાષ્ટ્ર ઓનરશિપ ફ્લૅટ્સ ઍક્ટ (MOFA) હેઠળ રજિસ્ટર્ડ ઍગ્રીમેન્ટ કર્યાં હોવાથી ડીમ્ડ કન્વેયન્સના અભાવે તેઓ પોતાના ફ્લૅટ પણ રેગ્યુલરાઇઝ્ડ નથી કરાવી શકતા. અમારો આ આદેશ મહાનગરપાલિકાને ગેરકાયદે સ્ટ્રક્ચરની સામે ઍક્શન લેતા નહીં રોકી શકે, પણ એની સાથે સોસાયટીના ફ્લૅટઓનર્સને પોતાના ફ્લૅટને કાયદેસર કરવા માટે હક આપશે.’
રેગ્યુલરાઇઝેશનની અરજી માલિક જ કરી શકે, પણ ડીમ્ડ કન્વેયન્સ સોસાયટી પાસે ન હોવાથી સોસાયટીના નામ પર રેગ્યુલરાઇઝેશન કે પછી રીડેવલપમેન્ટની અરજી કરવી શક્ય ન હોવાથી કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે ડેપ્યુટી રજિસ્ટ્રારના ચુકાદા વિશે કહ્યું હતું કે ‘તેમણે લીગલ ઇશ્યુમાં પડવાની જરૂર નથી. જે બિલ્ડિંગો પાસે OC નથી એવાં બિલ્ડિંગોને ડીમ્ડ કન્વેયન્સ આપવા સામે કોઈ પ્રતિબંધાત્મક આદેશ નથી.’