આજે બપોર સુધીમાં તૂટી પડેલા હોર્ડિંગનો બધો કાટમાળ કાઢી લેવાય એવી શક્યતા

16 May, 2024 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી પણ કાટમાળ હેઠળ કેટલાક લોકો ફસાયા હોવાની શંકા છે

ઘટનાસ્થળે કાટમાળ કાઢવાનું કામ ચાલી રહ્યું છે. (તસવીર શાદાબ ખાન)

તૂટી પડેલા હોર્ડિંગનો કાટમાળ કાઢવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સાથે નૅશનલ ​ડિઝૅસ્ટર ​રિસ્પૉન્સ ફોર્સના જવાનો કામ કરી રહ્યા છે. ગઈ કાલ બપોર સુધીમાં અંદાજે ૫૦ ટકા જેટલો જ કાટમા‍ળ કાઢી શકાયો હતો. કાટમાળ નીચેથી ૧૮ બાઇક અને ૭ કાર કાઢવામાં આવી હતી. હજી પણ કાટમાળ હેઠળ કેટલાક લોકો ફસાયા હોવાની શંકા છે. જોકે ઘટનાના આટલા કલાકો બાદ તેમના જી​વિત હોવાની શક્યતા ઓછી છે. બધો કાટમાળ ગુરુવાર બપોર સુધીમાં કાઢી લેવાય એવી શક્યતા BMC દ્વારા દર્શાવવામાં આવી છે. 

તોડવામાં આવી રહેલો કાટમાળ પણ હેવી હોવાથી એ ઉપાડવા ગઈ કાલ બપોર સુધી સ્પૉટ પર એક જ હાઇડ્રોલિક ક્રેન કાર્યરત હતી એટલે કામ ધીમું ચાલી રહ્યું હતું. બીજી બે હાઇડ્રોલિક ક્રેન મગાવી છે, પણ એ સાકીનાકાથી આવવાની છે જે આવતાં વાર લાગી શકે છે એમ જાણવા મળ્યું હતું. BMCના ‘એન’ વૉર્ડના વૉર્ડ-ઑફિસર ગજાનન બેલાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ ત્યાં ચાર બુલડોઝરથી કાટમાળ હટાવાઈ રહ્યો છે. એ સિવાય ગૅસકટરથી કાટમાળના નાના-નાના ટુકડા કરીને એને હટાવવામાં આવી રહ્યા છે. ઑલરેડી એક હાઇડ્રોલિક ક્રેન ત્યાં કાર્યરત છે.’

mumbai news maharashtra news ghatkopar brihanmumbai municipal corporation