ઘાટકોપરની હોર્ડિંગ-દુર્ઘટનામાં બે વધુ મૃતદેહ મળી આવ્યા, મરણાંક ૧૬

16 May, 2024 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોર્ડિંગ્સ સંદર્ભે તપાસ કરતાં બીજાં ૯૯ હોર્ડિંગ જોખમી હોવાનું જણાઈ આવતાં એ સંદર્ભે ઍડ એજન્સીઓને નોટિસ મોકલવામાં આવી છે.

ઘાટકોપર-ઈસ્ટનું વિશાળકાય હોર્ડિંગ

ઘાટકોપર-ઈસ્ટમાં સોમવારે સાંજે વિશાળકાય હોર્ડિંગ તૂટી પડવાની ઘટના વીતી ગયા બાદ હજી પણ એના કાટમાળ હેઠળથી મૃતદેહો મળી રહ્યા છે. ગઈ કાલે બે વધુ મૃતદેહ મળી આવ્યા હતા. ગઈ કાલે સવારે ગૅસકટરથી તૂટી પડેલા હોર્ડિંગનો કાટમાળ કાપીને બહાર કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે એની નીચે લાલ કલરની એક કાર દબાઈ હોવાનું જાણવા મળ્યું હતું. એમાં એક પુરુષ અને એક મહિલા દબાયેલાં હોવાનું જણાઈ આવ્યું હતું. આમ મૃત્યુ પામેલી વ્યક્તિઓનો આંકડો ગઈ કાલ બપોર સુધીમાં ૧૬ પર પહોંચી ગયો હતો.

હજી ૯૯ હો​ર્ડિંગ જોખમી
ઘાટકોપરની હોર્ડિંગ-દુર્ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સફાળી જાગી છે અને આવાં જોખમી હોર્ડિંગ્સ સંદર્ભે તપાસ કરતાં બીજાં ૯૯ હોર્ડિંગ જોખમી હોવાનું જણાઈ આવતાં એ સંદર્ભે ઍડ એજન્સીઓને નોટિસ મોકલવામાં આવી છે. એ જ પ્રમાણે રેલવે-પ્રિમાઇસિસમાં લગાડવામાં આવેલાં ૪૦x૪૦થી મોટાં અને જોખમી હોય એ હોર્ડિંગ્સ હટાવી લેવા રેલવેને પણ ​ડિઝૅસ્ટર ઍક્ટ હેઠળ BMCએ નોટિસ મોકલી છે.  

mumbai news ghatkopar brihanmumbai municipal corporation