મેડિકલ ટ્રીટમેન્ટના અભાવે મળ્યું મોત

19 September, 2023 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અકસ્માતમાં ઘાયલ રોહાનો ગુજરાતી યુવાન જિનિલ ગુજર ટ્રેનમાંથી ઊતરતી વખતે પડ્યા પછી એ હાલતમાં પણ તેણે પપ્પાને ફોન કરીને કહ્યું કે મારો ઍક્સિડન્ટ થયો છે, જલદી આવો. જોકે તેને નીકળતું લોહી રોકવા સ્થાનિક હૉસ્પિટલમાં સુવિધા ન હોવાથી પેણની હૉસ્પિટલમાં લઈ જતાં

રોહામાં રહેતો જિનિલ ગુજર (ડાબેથી ત્રીજો) પોતાના પરિવાર સાથે.


મુંબઈ : ગોવામાં હોટેલ મૅનેજમેન્ટનો અભ્યાસ કરતો અલીબાગ નજીકના રોહાનો જિનિલ ગુજર મંગલા એક્સપ્રેસ દ્વારા રોહા આવી રહ્યો હતો ત્યારે ગુરુવારે રોહા સ્ટેશન પર પ્લૅટફૉર્મ પર પટકાતાં ગંભીર રીતે ઘવાયો હતો. તેને તરત જ નજીકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, પણ તેના શરીરમાંથી વહી જતું લોહી અટકાવવા હૉસ્પિટલમાં સગવડ ન હોવાથી તેને મુંબઈ અથવા પેણ લઈ જવાની સલાહ અપાઈ હતી. જોકે એ લોકો પેણ પહોંચે એ પહેલાં જ ઘણું લોહી વહી જતાં જિનિલે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. તેના મૃત્યુથી રોહામાં ગમગીની ફેલાઈ ગઈ છે. એટલું જ નહીં, રોહાવાસીઓએ લેટેસ્ટ સુવિધાવાળી સરકારી હૉસ્પિટલ બનાવવાની માગ કરી છે.  
આ બાબતે માહિતી આપતાં જિનિલના થાણેમાં રહેતા સંબંધી ડૉક્ટર વિજય ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મોડાસાના વૈષ્ણવ છીએ, પણ વર્ષોથી મહારાષ્ટ્રમાં વસવાટ કરીએ છીએ. જિનિલના ફાધર અમિત મારો ભાણેજ થાય. તેનો રોહામાં પ્રિન્ટિંગનો વ્યવસાય છે. ૨૧ વર્ષનો દીકરો જિનિલ ગોવામાં હોટેલ મૅનેજમેન્ટનો કોર્સ કરતો હતો. તેને હોટેલ તાજમાં ઇન્ટર્નશિપ મળી હતી અને હાલ તે રજા હોવાથી રોહા આવી રહ્યો હતો. વળી તેને વિદેશમાં ભણવા જવું હોવાથી એની પણ કેટલીક તૈયારીઓ કરવાની હતી. ગુરુવારે સવારે તેણે ગોવાથી આવવા મંગલા એક્સપ્રેસ પકડી હતી જે ચિપલૂણ પછી સીધી પનવેલ ઊભી રહે છે. રોહા જંક્શન હોવા છતાં એ ત્યાં ઊભી નથી રહેતી. જોકે ટ્રેન રોહામાં ધીમી થતાં તેણે ચાન્સ લીધો હતો અને ચાલુ ટ્રેને ઊતર્યો હતો, પણ એ વખતે સંતુલન ગુમાવતાં તે પ્લૅટફૉર્મ પર પટકાયો હતો અને મોં પર અને છાતીમાં માર લાગ્યો હતો. જોકે એમ છતાં તે ઊભો થઈ ગયો હતો અને તરત જ તેના પપ્પાને ફોન કરીને કહ્યું કે મારો ઍક્સિડન્ટ થયો છે, હું ઘરે આવું છું. તેના પપ્પા અમિત ગુજરે કહ્યું કે તું ત્યાં જ રહે, અમે આવીએ છીએ. તરત જ તેમના સંબંધીઓ સાથે તેઓ સ્પૉટ પર પહોંચ્યા હતા. જોકે એ દરમ્યાન ચક્કર આવવાથી જિનિલ ટ્રૅક પર પડ્યો હતો અને તેનું માથું પાટા સાથે અફળાયું હતું જેને કારણે તેના માથામાં ઇન્ટરનલ ઇન્જરી થઈ હતી. આમ તેને ડબલ માર લાગ્યો હતો. ઘાયલ જિનિલને તરત જ રોહાની ધ્રુવ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જોકે તેને મોટા પ્રમાણમાં રક્તસ્રાવ થઈ રહ્યો હતો. ડૉક્ટરોએ સામાન્ય સ્ટીચિઝ લીધા હતા, પણ તેની ઈજાઓ ગંભીર પ્રકારની હતી. એથી હૉસ્પિટલના ડૉક્ટરોએ હથિયાર હેઠાં મૂકી દેતાં કહ્યું કે અમારી પાસે વધુ ફૅસિલિટી નથી એટલે તમે તેને તરત પેણ અથવા બૉમ્બે લઈ જાઓ. એથી પરિવાર તેને ઍમ્બ્યુલન્સમાં લઈને પેણ જવા નીકળ્યો હતો, પણ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. જુવાનજોધ દીકરાનું અકસ્માતમાં અકાળે મોત થતાં પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. રોહા નાનું સેન્ટર છે. ત્યાંની હૉસ્પિટલમાં એમઆરઆઇ, સીટી સ્કૅન કે વેન્ટિલેટરની પણ સુવિધા નથી. એ સુવિધા નજીકમાં નજીક પેણમાં છે એટલે તેને ત્યાં લઈ જવાયો હતો, પણ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. રોહા મુંબઈ-ગોવા રોડ પર આવે છે જ્યાં વર્ષ દરમ્યાન ઘણા અકસ્માતો થાય છે, પણ નજીકમાં કોઈ સારી હૉસ્પિટલ ન હોવાથી ઘાયલ લોકોને પેણ અથવા પનવેલ કે વાશીમાં લાવવા પડે છે. અહીં એક મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ તો હોવી જ જોઈએ જેથી ક્રિટિકલ પેશન્ટને બચાવવાના પ્રયાસ કરી શકાય.’ 
જિનિલના મૃત્યુના સમાચાર રોહામાં વાયુવેગે ફરી વળ્યા હતા. જો હૉસ્પિટલમાં લેટેસ્ટ સુવિધા હોત તો તે બચી શક્યો હોત એવી જાણ થતાં લોકોમાં અત્યાધુનિક સુવિધાવાળી હૉસ્પિટલ રોહામાં હોવી જોઈએ એવી માગે જોર પકડ્યું હતું. રોહામાં નદી સંવર્ધન, નાટ્યગૃહ જેવો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનો પ્રસ્તાવ છે, પણ એક સારી લેટેસ્ટ સુવિધાયુક્ત હૉસ્પિટલનો અભાવ છે એ માટે લાંબા સમયથી રોહાના લોકો માગણી કરી રહ્યા છે. ઍટ લીસ્ટ, હવે એના પર ધ્યાન આપીને પ્રશાસન એક સારી હૉસ્પિટલ ઊભી કરે એવી માગ ઊઠી છે.  

ગઈ કાલે જિનિલની પાસપોર્ટની અપૉઇન્ટમેન્ટ હતી
અકસ્માતમાં દીકરાને ગુમાવનાર અમિત ગુજરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ જિનિલે મને ફોન કર્યા બાદ તે ટ્રૅક પર પડ્યો હતો. તરત જ સ્ટેશન પરના પોલીસોએ તેને સ્ટ્રેચર પર લઈ લીધો હતો અને ઍમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી. તેઓ તેને સરકારી હૉસ્પિટલમાં લઈ જવાનું કહેતા હતા. જોકે મને ખબર છે કે અહીંની સરકારી હૉસ્પિટલમાં ખાસ કોઈ સુવિધાઓ જ નથી. ઈવન સારા ડૉક્ટરો પણ નથી. શિખાઉ ડૉક્ટરો હોય છે. એથી હું તેને ડૉક્ટર ધ્રુવની હૉસ્પિટલમાં લઈ ગયો હતો. રોહામાં એક જ ડૉ. જાધવનું સીટી સ્કૅન છે. એમાં કહી રાખ્યું હતું કે જરૂર પડશે તો પેશન્ટને લાવીશું. જિનિલે આગળની તરફ તેની લૅપટૉપની બૅગ રાખી હતી એટલે તે પહેલી વાર પ્લૅટફૉર્મ  પર પડ્યો ત્યારે તેને છાતીમાં એને કારણે ઈજા થઈ હતી. ત્યાર બાદ ટ્રૅક પર પડ્યો ત્યારે માથામાં વાગતાં મગજમાં ઈજા થઈ હતી. તે હૉસ્પિટલમાં પણ મારી સાથે થોડી-થોડી વાત કરી રહ્યો હતો. એ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી અને તેના નાક અને કાનમાંથી લોહી આવવા માંડ્યું એટલે ડૉક્ટરોને ખ્યાલ આવી ગયો કે તેના બ્રેઇનમાં ઇન્ટરનલ ઇન્જરી થઈ છે. એટલે તેને તરત જ વેન્ટિલેટર પર રાખવો પડે એમ હતો, પણ આખા રોહામાં એક પણ હૉસ્પિટલમાં વેન્ટિલેટરની ફૅસિલિટી નથી. એથી તેને ૪૦ કિલોમીટર દૂર પેણ  લઈ જવા અમે ઍમ્બ્યુલન્સમાં નીકળ્યા હતા. મારી સાથે અમારા ફૅમિલી ડૉક્ટર અને બીજા બે ડૉક્ટર હતા. જોકે વડખળ બાદ તેની હાલત વધુ કથળવા માંડી હતી. હાજર ડૉક્ટરોએ તેને પીસીઆર આપ્યું, પણ એનો ફાયદો ન થયો અને તેણે રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તે બહુ જ હોશિયાર હતો. તેણે બૉમ્બેમાં ગેટવે પર આવેલી તાજમાં છ મહિના ઇન્ટર્નશિપ કરી હતી અને ત્રણ અવૉર્ડ પણ મેળવ્યા હતા. તેને માસ્ટર્સ કરવા કૅનેડા અથવા સ્વિટ્ઝરલૅન્ડ જવું હતું. ગઈ કાલે ૧૮ સપ્ટેમ્બરે તેની પાસપોર્ટની અપૉઇન્ટમેન્ટ પણ હતી. હવે તે અમારાથી ક્યારેય પાછો ન આવી શકે એટલો દૂર ચાલી ગયો.’   

mumbai news maharashtra news