24 January, 2025 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિષ્ણુનગર પોલીસે મંગળવારે રાતે ધરપકડ કરેલો આરોપી.
કલ્યાણ અને ડોમ્બિવલીમાં નશાનો વેપાર અને નશો કરનાર લોકોને અટકાવવા માટે કલ્યાણ-ડોમ્બિવલી ઝોન-ત્રણના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) અતુલ ઝેન્ડેએ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા બાવીસ દિવસમાં કલ્યાણ અને ડોમ્બિવલીમાં ગાંજો, ડ્રગ્સ સહિતની વિવિધ નશાની વસ્તુઓ વેચતા ૮ લોકો સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. ડોમ્બિવલી-વેસ્ટના સિદ્ધાર્થનગરમાંથી મંગળવાર રાતે લીલાધર ઠાકરની ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી પોલીસે આશરે ૩૨૦૦ ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
નશાની વસ્તુઓ વેચનાર સાથે નશો કરતા મળી આવનાર સામે પણ નાર્કોટિક્સ ડ્રગ્સ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવતાં DCP અતુલ ઝેન્ડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણ-ડોમ્બિવલીને નશામુક્ત કરવા માટે વિશેષ અભિયાન પહેલી જાન્યુઆરીથી હાથ ધરવામાં આવ્યું છે જેમાં દરેક પોલીસ-સ્ટેશન કાર્યવાહી કરી રહ્યું છે. અમારી બીજી ટીમ પણ ઓચિંતી મુલાકાત લઈ કાર્યવાહી કરી રહી છે. આવનારા દિવસોમાં આ કાર્યવાહી વધુ કડક કરવામાં આવશે. છેલ્લા બાવીસ દિવસમાં નશાની વસ્તુઓ વેચતા ૮ લોકોની અમે ધરપકડ કરી છે.’