છેતરપિંડી કરનાર ગઠિયાને પોલીસે ચાલાકીથી પકડ્યો

23 March, 2023 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૮ વર્ષ પહેલાં ૨૦ લાખનાં બનાવટી શૅર સર્ટિફિકેટ્સ પધરાવી દેનાર ગઠિયાને ડી. બી. માર્ગ પોલીસે બેસ્ટના કર્મચારી બનીને ઝડપ્યો

આરોપી સાથે ડી.બી. માર્ગ પોલીસની ટીમ

ગ્રાન્ટ રોડના ડી. બી. (દાદાસાહેબ ભડકમકર) માર્ગ પોલીસ સ્ટેશનમાં ૧૯૯૫માં ૨૦ લાખનાં બનાવટી શૅર સર્ટિફિકેટ્સ પધરાવીને છેતર​પિંડી કરવા બદલ વીરેન્દ્ર પ્રવીણચંદ્ર સંઘવી ઉર્ફે મહેશ શાહ સામે રાજીવ ખંડેલવાલે ફરિયાદ કરી હતી. એ કેસમાં વીરેન્દ્ર સંઘવીની ધરપકડ પણ થઈ હતી અને ત્યાર બાદ જામીન પર પણ તે છૂટેલો. જોકે એ પછી તે એક પણ વાર કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેતાં કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો. હવે આખરે ૨૮ વર્ષે પોલીસ તેને ઝડપી લેવામાં સફળ રહી છે. જોકે એ માટે તેની સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવવી પડી હતી. છેતરપિંડી કરનાર ગઠિયાને પોલીસે બેસ્ટના કર્મચારી બનીને ચાલાકીથી ઝડપી લીધો હતો.

છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો ત્યારે વીરેન્દ્ર સંઘવી સાયનમાં રહેતો હતો, પણ જામીન પર છૂટ્યા બાદ તેણે તેનું રહેઠાણ બદલી નાખ્યું હતું. ઘણી બધી તપાસ કરવા છતાં તેનો પત્તો લાગી નહોતો રહ્યો. વળી તે આજીવિકા માટે શું કરી રહ્યો છે એની પણ જાણ થતી નહોતી. ૪૦-૫૦ લોકો પાસે તેના વિશે માહિતી કઢાવી એમાં તેના ચેમ્બુર અને સાયનનાં ત્રણ-ચાર ઍડ્રેસ મળ્યાં હતાં, પણ એ દરેક જગ્યા  તપાસ કરવા છતાં તે મળતો નહોતો.

ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડુરંગ સનસને તાજેતરના વોટર્સ લિસ્ટમાંથી એક લીડ મળી હતી. એમાં એક ફોન-નંબર હતો અને એ મહેશ શાહના નામે હતો અને તેને એક ચોક્કસ બૅન્કમાંથી મેસેજ આવતા હતા. એથી એ વ્યક્તિ વીરેન્દ્ર સંઘવી હોઈ શકે એવી માહિતી મળતાં તેના એ ફોન સાથે આપવામાં આવેલા ઍડ્રેસ મુજબ દાણાબંદરની રૂમ પર જઈને તપાસ કરવામાં આવતાં જાણ થઈ કે એ રૂમ મહેશ શાહના નામે હતી, પણ તે ત્યાં રહેતો નહોતો. આટલી વાત કન્ફર્મ થયા બાદ તેને કોઈ પણ રીતે ત્યાં બોલાવવો જરૂરી હતો એટલે એ બાબતે છટકું ગોઠવવામાં આવ્યું. એથી પોલીસ બેસ્ટ (બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ)નો કર્મચારી બનીને ત્યાં ગઈ અને કહ્યું કે વેરિફિકેશન કરવાનું છે એટલે આવો. જોકે તે ન ફરક્યો. એથી તેને મેસેજ પહોંચાડવામાં આવ્યો કે તમારા ડૉક્યુમેન્ટ્સ સાથે જો વેરિફિકેશન માટે હાજર નહીં રહો તો ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. આ ચીમકી કારગત નીવડી હતી અને આખરે તે ડૉક્યુમેન્ટ્સ સાથે હાજર રહ્યો હતો. ૨૮ વર્ષ જૂનો કેસ હોવાથી પોલીસ પાસે તેનો કોઈ ફોટો તો નહોતો, પણ આ કેસના ફરિયાદી રાજીવ ખંડલેવાલે તેને આટલાં વર્ષો બાદ પણ ઓળખી કાઢતાં આખરે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.   

mumbai mumbai news Crime News mumbai crime news grant road mumbai police