22 November, 2024 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : નિમેશ દવે
એનું કારણ છે મુંબઈની બહાર જતી વખતે ટોલ નાકા પછી આવતું પેણકર પાડાનું સિગ્નલ અને મુંબઈમાં એન્ટ્રી કર્યા બાદ મેટ્રોના કામને લીધે કરવામાં આવેલું ડાઇવર્ઝન : શહેરની બહાર જવામાં રાહત મળી શકે છે, પણ બોરીવલીની દિશામાં ટ્રાફિક-જૅમની સમસ્યામાંથી રાહત મળવી અત્યારે તો મુશ્કેલ છે
મહારાષ્ટ્ર સરકારે ૧૪ ઑક્ટોબરથી દહિસર સહિત મુંબઈમાં એન્ટ્રી માટેનાં પાંચેય ટોલ નાકા પરથી પસાર થતાં નાનાં વાહનોને ટોલમાંથી મુક્તિ આપી હતી. એ સમયે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ પગલાનો હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ટોલ-પ્લાઝા પર થતો ટ્રાફિક-જૅમ ઘટાડવાનો છે, એનાથી ટોલ નાકા પરથી રોજ નાનાં વાહનોમાં પોતાના કામકાજ માટે અવરજવર કરતા લોકોને રાહત થશે. જોકે ટોલમુક્તિને એક મહિનાથી વધુ સમય પસાર થવા છતાં આજે પણ દહિસર ટોલ નાકા પર લોકો ટ્રાફિક-જૅમ અને પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે.
એનું કારણ છે પેણકર પાડાનું સિગ્નલ અને મેટ્રોનું કામ. મુંબઈથી બહાર જતી વખતે ટોલ નાકા બાદ જે સિગ્નલ છે ત્યાં એકસાથે કારનો ભરાવો થઈ જતો હોવાથી લાંબો ટ્રાફિક-જૅમ રહે છે, જ્યારે મુંબઈમાં એન્ટ્રી કરતી વખતે ટોલ નાકા બાદ આવેલા ફ્લાયઓવરથી ટ્રાફિક-જૅમ રહેતો હોય છે. આના માટે મેટ્રોના કામને લીધે બંધ કરવામાં આવેલો ગોકુલાનંદ ફ્લાયઓવર જવાબદાર છે. આ કારણસર બધાં વાહનોને સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરવામાં આવે છે અને ત્યાં પણ કામ ચાલી રહ્યું હોવાથી એક જ લેન ચાલુ હોવાથી ટ્રાફિક-જૅમ થઈ જાય છે. પોલીસના કહેવા મુજબ પેણકર પાડાનું સિગ્નલ દૂર કરીને ત્યાંનો ટ્રાફિક તેઓ હળવો કરવાના છે, પણ મેટ્રોના કામને લીધે થનારા ટ્રાફિકને કામ ચાલી રહ્યું છે ત્યાં સુધી સહન કરવો પડશે.
ટ્રાફિક-પોલીસ શું કહે છે?
દહિસર ટ્રાફિક-વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય સોનારે ચેક નાકા પરના ટ્રાફિક બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે દહિસર ચેક નાકા પરથી નાનાં વાહનોને ટોલમાંથી મુક્તિ આપી છે છતાં ટ્રાફિક-જૅમની સમસ્યા યથાવત્ છે. એનું મુખ્ય કારણ છે મુંબઈની બહાર જવા માટે પેણકર પાડા પાસેનું સિગ્નલ. આ સિગ્નલ પાસે ટ્રાફિક-જૅમ થઈ જાય છે. એકસાથે અહીં એક હજારથી વધુ વાહનોની લાઇન લાગી જાય છે, પણ સિગ્નલથી માંડ બસો વાહનો પસાર થાય છે. આથી અમે આ સિગ્નલ દૂર કરવાની વિચારણા કરી રહ્યા છીએ. એનાથી ટ્રાફિક-જૅમમાં રાહત મળવાની પૂરતી સંભાવના છે. મુંબઈમાં એન્ટ્રી કર્યા બાદ મેટ્રોના બાંધકામને કારણે રસ્તો સાંકડો બની જતો હોવાથી ટ્રાફિક-જૅમ થાય છે. એની સીધી અસર દહિસર ચેક નાકા પરના ટ્રાફિક પર થાય છે, પણ જ્યાં સુધી કામ ચાલે છે ત્યાં સુધી એની લોકોએ આદત પાડવી પડશે.’
શું કહે છે પબ્લિક?
પીનલ વશી- મીરા રોડના રહેવાસી અને મુંબઈની એક કંપનીમાં માર્કેટિંગ મૅનેજર તરીકે કામ કરી રહેલાં પીનલ વશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો, પણ હજી સુધી દહિસર ટોલ નાકા પરના ટ્રાફિકમાં તસુભાર પણ ફરક પડ્યો નથી. મારે અઠવાડિયામાં ચાર દિવસ ટોલ નાકામાંથી પસાર થવું પડે છે. હું મોટરસાઇકલ પર જતો હોવા છતાં દહિસર ટોલ નાકા પરથી પસાર થતાં મને અડધો કલાકથી વધુ સમય લાગી જાય છે. ટ્રાફિક-જૅમને લીધે ભયંકર પ્રદૂષણ જોવા મળે છે. ભારે વાહનોને લીધે ટ્રાફિક ચોવીસ કલાક જૅમ જ હોય છે. કદાચ આનું કારણ મેટ્રોનું ચાલી રહેલું બાંધકામ પણ હોઈ શકે. મેટ્રોના ચાલી રહેલા કામને લીધે અનેક ભાગોમાં રોડ સાંકડો થઈ જાય છે. આ સિવાય અમુક જગ્યાએ રોડ સમથળ ન હોવાથી વાહનો સ્પીડમાં પસાર થઈ શકતાં નથી.’
જયેશ પટેલ- કાંદિવલીમાં ન્યુ બૉર્ન બેબી માટેનાં કપડાં અને અન્ય વસ્તુઓનો બિઝનેસ કરી રહેલા મીરા રોડના બિઝનેસમૅન જયેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે દિવસે સરકારે ટોલમુક્તિની જાહેરાત કરી ત્યારે એવો અહેસાસ થયો હતો કે હવે તો ટૂ-વ્હીલરથી સડસડાટ પસાર થવા મળશે, ટ્રાફિક-જૅમનો સામનો નહીં કરવો પડે, ટ્રાવેલિંગના સમયમાં પણ ઘટાડો થશે; પણ મારી આશા નઠારી નીવડી હતી. હું રોજ મીરા રોડથી કાંદિવલી મોટરસાઇકલ પર દુકાને જાઉં છું. મારા ઘરેથી મારી દુકાન ૧૧ કિલોમીટરના અંતરે છે. દહિસર ચેક નાકા-ટોલ નાકા પાસેના ટ્રાફિકને લીધે આ અંતર કાપતાં મને એક કલાકનો સમય લાગે છે. રાતે પણ દુકાનેથી ઘરે આવતાં ચેક નાકા પર ટ્રાફિક હોય છે.’
દિલીપ દોશી- બોરીવલી-વેસ્ટમાં રહેતા અને ભાઈંદરમાં સૅનિટરીવેઅરના બિઝનેસમૅન દિલીપ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જ્યારે ટોલ હતો ત્યારે બોરીવલીથી ભાઈંદર પચીસ મિનિટમાં પહોંચી જતા હતા, પણ ટોલ-ફ્રી થયા પછી નાનાં વાહનોને ટોલ નાકા પરથી પસાર થતાં વધુ સમય લાગે છે. અત્યારે અમે બોરીવલીથી ભાઈંદર પોણા કલાકમાં પહોંચીએ છીએ. એનું કારણ છે કે પ્રશાસને નાનાં વાહનોને પસાર થવા માટે પૂરતી જગ્યા જ રાખી નથી. થોડા દિવસ પહેલાં થાંભલા નાખવામાં આવ્યા છે. મોટાં વાહનો અને નાનાં વાહનોને પસાર થવાનો રસ્તો એક જ છે. ફાસ્ટૅગનાં સ્કૅનરો એકદમ સ્લો ચાલે છે એટલે વાહનોને પસાર થતાં ખાસ્સો સમય લાગી જાય છે. વિદેશોમાં વાહનો આંખના પલકારામાં સ્કૅન કરીને નીકળી જાય છે, જેની સામે આપણા દેશમાં ચેક નાકા પર સ્કૅન થતાં મિનિટો લાગી જાય છે. દહિસરમાં આવી અનેક ટેક્નિકલ ક્ષતિઓ રહેલી છે એટલે ટ્રાફિક-જૅમ થાય છે, પ્રદૂષણની તો કોઈ સીમા જ નથી. સરકારે આના પર જલદી ધ્યાન આપવાની જરૂર છે; તો જ એકનાથ શિંદેએ જે ભાવથી ટોલ-ફ્રી કરવાનો નિર્ણય લીધો છે એની ફળશ્રુતિ જોવા મળશે.’