ગોવિંદા આલા રે આલા

27 August, 2024 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ, નવી મુંબઈ અને થાણેની ફેમસ દહીહંડીઓ ફોડવા ગોવિંદા પથકો નીકળી પડશે : મુંબઈ, થાણે અને નવી મુંબઈની ટોચની દહીહંડીઓ કઈ-કઈ?

જય જવાન ગોવિંદા પથક દ્વારા ગઈ કાલે જોગેશ્વરી-ઈસ્ટમાં આવેલી શિવટેકરીમાં નવ થર લગાવીને મટકી ફોડવાની પ્રૅક્ટિસ કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ​ઉજવણીમાં ગઈ કાલે રાતે ભક્તિમય બનેલા મુંબઈગરાઓ આજે ગોવિંદા આલા રે આલાનો જયઘોષ કરીને મટકી ફોડનારા ગોવિંદા પથકો સાથે દહીહંડીના રંગમાં રંગાશે. લાખો રૂપિયાનું ઇનામ આપતાં સાત જાણીતાં મંડળોએ મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં દહીહંડીનાં આયોજન કર્યાં છે.

શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, કિંગ્સ સર્કલ: આ મંડળ દ્વારા દહીહંડી અને ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.

જય જવાન મિત્ર મંડળ: આ મંડળ લોઅર પરેલનું હૉટસ્પૉટ ગણાય છે. અહીં દહીહંડી જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. મુંબઈના ગોવિંદા પથક અહીં દહીહંડીને સલામી આપવા આવે છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મંડળ, ઘાટકોપરઃ અહીં દહીહંડીનો ઉત્સવ ભવ્ય રીતે ઊજવવામાં આવે છે એટલે અનેક ગોવિંદા પથક અહીં દહીહંડી ફોડવા આવે છે. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય રામ કદમ દ્વારા અહીં આયોજન કરવામાં આવે છે.

બાળ ગોપાલ મિત્ર મંડળ, લાલબાગઃ ગણેશોત્સવ માટે ફેમસ લાલબાગ કૃષ્ણ-જન્મોત્સવ માટે પણ એટલું જ જાણીતું છે. અહીં ગોવિંદા પથકોની દહીહંડી ફોડવા માટે ખૂબ સ્પર્ધા જોવા મળે છે. 

સંકલ્પ પ્રતિષ્ઠાન, વરલી: અહીં અનેક દિગ્ગજ કલાકાર દહીહંડીમાં હાજરી આપે છે એટલે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે અહીં આવે છે. લાખો રૂપિયાનું ઇનામ પણ અહીં રાખવામાં આવે છે એટલે ગોવિંદા પથકો મટકી ફોડવાનો પ્રયાસ કરે છે. એનું આયોજન ભૂતપૂર્વ વિધાનસભ્ય સ‌ચિન અહિર દ્વારા કરવામાં આવે છે.

તારામતી ચૅરિટેબલ ફાઉન્ડેશન, માગાઠાણે: વેસ્ટર્ન સબર્બની આ સૌથી મોટી દહીહંડી છે. શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે દ્વારા દર વર્ષે આયોજિત થતા આ ઉત્સવમાં અનેક ગોવિંદા પથક મટકી ફોડવા પહોંચે છે જેનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચે છે.

શ્રમિક સાર્વજનિક ઉત્સવ મંડળ, ખારઘર: નવી મુંબઈના મધ્યમાં આવેલો આ વિસ્તાર જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે ઓળખાય છે. અહીંની વ્યવસ્થા લોકપ્રિય છે એટલે ગોવિંદા પથકો અહીં જાય છે.

સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન, થાણે: દહીહંડીનો ઉત્સવનો અનુભવ માટે થાણે સર્વોત્તમ માનવામાં આવે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક દ્વારા અહીં વર્ષોથી દહીહંડીનું આયોજન કરવામાં આવે છે. અહીં જ જોગેશ્વરીના જય જવાન ગોવિંદા પથકે ૨૦૧૨માં નવ થર લગાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. 

વરલીમાં BJPની દહીહંડીમાં હાઇએસ્ટ ૫૦ લાખનાં ઇનામ

મુંબઈમાં વિવિધ મંડળોની સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વરલીના જાંબોરી મેદાનમાં દહીહંડીનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે. અહીં દહીહંડીના કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજે આદિલ શાહના સેનાપતિ અફઝલ ખાનનો વધ કર્યો હતો એ ઐતિહાસિક ઘટના દર્શાવવામાં આવશે. એટલું જ નહીં, આ પરિવર્તન દહીહંડી ઉત્સવમાં દહીહંડી ફોડવા આવનારા ગોવિંદા પથકોને કુલ ૫૦ લાખ રૂપિયાનાં ઇનામ આપવામાં આવશે.

janmashtami dahi handi mumbai navi mumbai thane mumbai news