દાદર સ્ટેશન પર બૅગમાં બંધ લાશનો પર્દાફાશ કઈ રીતે થયો?

07 August, 2024 08:37 AM IST  |  Mumbai | Mehul Jethva

ટ્રેનનો બંધ દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હત્યારાને પોલીસે રોક્યો ત્યારે તેને ગભરાયેલો જોઈને બૅગ ખોલાવવામાં આવી : બોલી-સાંભળી ન શકતા બે મિત્રોએ તેમના જેવા જ સાથીની હત્યા કરી

દાદર સ્ટેશન પર સૂટકેસ ખેંચીને લઈ જતાે જય ચાવડા સીસીટીવી કૅમેરામાં ઝડપાયો અને પછી પકડાયો

દાદર સ્ટેશન પર રવિવારે રાતે તુતારી એક્સપ્રેસના જનરલ ડબ્બાનો બંધ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા યુવાનને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક કૉન્સ્ટેબલે રોક્યા બાદ તેની વધુ તપાસ કરતાં તેની પાસે રહેલી સૂટકેસમાંથી ૩૦ વર્ષના અર્શદ અલી સાદિક અલી શેખની ડેડ-બૉડી મળી આવી હતી. RPFએ વધુ તપાસ કરતાં અર્શદની હત્યા તેના મૂક-બધિર મિત્રો જય ચાવડા અને શિવજિત સુરેન્દ્ર સિંહે દારૂ પીધા પછી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અર્શદની હત્યા પાયધુનીમાં થઈ હોવાથી આ કેસની તપાસ પાયધુની પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવી છે. ગઈ કાલે જય અને શિવજિતને કોર્ટમાં હાજર કરતાં બન્નેને ૧૨ ઑગસ્ટની સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

ટ્રેન મુસાફરોથી ખીચોખીચ ભરેલી હોવાથી નાઇટ-શિફ્ટમાં રહેલો RPF કૉન્સ્ટેબલ સંતોષ યાદવ દાદર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧૧ પર જનરલ ડબ્બા પાસે ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે તેણે ૩૨ વર્ષના જય ચાવડાને જનરલ ડબ્બાના બંધ દરવાજાને ખોલવાનો પ્રયાસ કરતો જોઈને તેને અટકાવ્યો હતો એમ જણાવતાં દાદર સ્ટેશનના RPFના સિનિયર ઇન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળી રહેલા સંજીવ રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બંધ દરવાજો ખોલતા જયને અમારા અધિકારીએ રોક્યો ત્યારે તે ખૂબ ડરેલી હાલતમાં હતો. આ ઉપરાંત તેની બૅગ પણ બહુ ભારે લાગતી હતી એટલે અમારા અધિકારીએ તેને બૅગમાં શું છે એ પૂછતાં તેણે ઇશારામાં કપડાં હોવાની માહિતી આપી હતી. જોકે જયનું ફેસરીડિંગ કરતાં તેણે કંઈક ખોટું કર્યું છે એવી શંકા જવાથી તેને બૅગ ખોલવા માટે કહેવામાં આવ્યું હતું જેનો તેણે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, અમારા અધિકારી સાથે તેણે ઝઘડો પણ કર્યો હતો. અંતે વધુ અધિકારીઓને બોલાવીને ૧૧ નંબરના પ્લૅટફૉર્મ પર કૅન્ટીન પાસે તેની બૅગ ખોલવામાં આવી ત્યારે અંદર એક વ્યક્તિનું માથું લોહીથી લથપથ દેખાયું હતું. એ જોઈને અમારા અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. અંતે જયને અમે તાબામાં લીધા બાદ આ ઘટનાની માહિતી દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને આપવામાં આવી હતી.’

રવિવારે રાત્રે મૂક-બધિર લોકોની ભાષા સમજી શકતી વ્યક્તિને બોલાવીને જયની વધુ તપાસ કરવામાં આવી હતી એમ જણાવતાં GRPના સિનિયર ઇન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળી રહેલા સંજીવ રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુલાલવાડીમાં છત્રીવાલા બિલ્ડિંગના ત્રીજા માળે એકલા રહેતા જયે તેના મિત્ર શિવજિત સાથે દારૂના નશામાં અર્શદના માથામાં ધારદાર વસ્તુ મારીને તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હત્યા પાછળનું કારણ હાલમાં એમ સમજાયું હતું કે તેમની વચ્ચે એક મહિલાની વાતે દલીલ થઈ હતી. એ દલીલ મોટા ઝઘડામાં ફેરવાઈ જવાથી જયે તેના ઘરમાં રહેલું હથોડી જેવું હથિયાર અર્શદના માથામાં મારી દીધું હતું. આ ત્રણે મૂક-બધિર મિત્રો રવિવારે સાંજે પહેલાં પાયધુની નજીક કોઈ બારમાં મળ્યા હતા. ત્યાર બાદ જયના ઘરે કોઈ ન હોવાથી ત્રણે જયના ઘરે આવ્યા હતા અને ત્યાં પણ દારૂ પીધો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. હત્યા પાયધુનીની હદમાં થઈ હોવાથી હવે આ કેસની આગળની તપાસ પાયધુની પોલીસ કરી રહી છે. જય હાલમાં એકલો જ તેના ઘરે રહેતો હતો. તેના પિતાનું વર્ષો પહેલાં મૃત્યુ થયું હોવાની માહિતી અમને મળી છે.’

એક NGOમાં મળેલા આ ત્રણ મિત્રો વચ્ચે એકાએક શું થઈ ગયું તથા આ હત્યા પ્રી-પ્લાન્ડ છે કે કેમ એની તપાસ અમે કરી રહ્યા છીએ એમ જણાવતાં પાયધુની પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણ દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં સૌથી મોટી પરેશાની એ છે કે આ બન્ને બોલી કે સાંભળી નથી કતા એટલે અમારા અધિકારીઓ તેમની ભાષા સમજી શકતા નથી. એટલા માટે અમે ઇન્ટર​પ્રિટર રાખ્યો છે. જોકે એનાથી બહુ જ ઓછી માહિતી અમને મળી છે. આ કેસમાં હત્યા પાછળનું મૂળ કારણ જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રાથમિક માહિતીમાં એવું સમજાયું છે કે બન્નેએ અર્શદની હત્યા કરીને તેને ઠેકાણે લગાડવા માટે બૅગમાં તેની નગ્ન લાશ ભરી હતી. તેની ઓળખ ન થાય એ માટે તેના શરીર પર એક પણ કપડું રાખવામાં આવ્યું નહોતું. હત્યા થઈ ત્યારે શિવજિત જય સાથે જ હતો, પણ પછી તે ઉલ્હાસનગર તેના ઘરે ચાલ્યો હતો. જોકે જયે આપેલી માહિતી બાદ અમે તેની પણ ધરપકડ કરી છે. આ બન્ને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ગઈ કાલે તેમને કોર્ટમાં હાજર કરતાં અમને છ દિવસની પોલીસ-કસ્ટડી મળી છે.’

મર્ડરનો લાઇવ વિડિયો

પોલીસને આ ઘટનામાં એક વિડિયો મળ્યો છે. આ વિડિયોમાં બેલ્જિયમથી ફોન કરનારો એક માણસ દેખાય છે જે પોતાના ફોન પર એક અજાણ્યા માણસને લાઇવ મર્ડર દેખાડી રહ્યો છે. વિડિયોમાં દેખાય છે કે શિવજિત સિંહ અર્શદ અલી શેખ પર હથોડી અને બિઅરની બૉટલોથી હુમલો કરી રહ્યો છે. ૭.૧૨ મિનિટનો આ વિડિયો આરોપીઓના વૉટ‍્સઅૅપ ગ્રુપમાં પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં બોલી-સાંભળી ન શકતા લોકો છે. આ વિડિયોમાં જય ચાવડા નથી, પણ લાશ સાથે તે જ પકડાયો હતો.

dadar mumbai local train murder case Crime News mumbai crime news mumbai police mumbai mumbai news railway protection force mehul jethva