દાદરમાં માનસિક રીતે બીમાર સગીરા પર દુષ્કર્મ કરનારા ઉબર ડ્રાઇવરની થઈ ધરપકડ

01 April, 2024 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅબ-નંબર શોધી કાઢ્યો હતો અને એના પરથી પોલીસને આરોપીના ઘરનું સરનામું મળ્યું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દાદર પોલીસે માનસિક બીમારી ધરાવતી સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં કૅબ-ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ૩૩ વર્ષનો આરોપી મોહમ્મદ જલીલ ખલીલ વડાલામાં રહે છે અને ઉબર કૅબ ચલાવે છે.

પોલીસે જણાવ્યું હતું કે ૧૫ વર્ષની પીડિતા તેના એક સંબંધીને ત્યાં રહેવા આવી હતી અને ગુરુવારે રાતે લગભગ ૧ વાગ્યે ઘરની બહાર નીકળીને રસ્તા પર ઊભી હતી. આરોપીએ છોકરીને એકલી જોઈને તેને મુંબઈમાં ફરાવવાના બહાને કૅબમાં બેસાડી હતી. એ પછી તે છોકરીને દાદર-પશ્ચિમમાં ફ્લાયઓવર પાસે એક ગલીમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપીએ છોકરીને એ જ સ્થળે છોડી હતી જ્યાંથી તેને પિક-અપ કરી હતી.

આરોપીએ પોતાનો ફોન-નંબર લખીને પીડિતાને કહ્યું કે જો તે ફરી મળવા માગતી હોય તો તેને ફોન કરે. ટીનેજરે ઘરે પહોંચીને પોતાના પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. તેમની ફરિયાદના આધારે દાદર પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી આરોપી ડ્રાઇવરનો

કૅબ-નંબર શોધી કાઢ્યો હતો અને એના પરથી પોલીસને આરોપીના ઘરનું સરનામું મળ્યું હતું. સગીરાને આપેલા મોબાઇલ નંબર પરથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યા બાદ વડાલામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai news mumbai Crime News mumbai crime news dadar