08 February, 2024 08:36 AM IST | Mumbai | Mehul Jethva
સાઈબર ફ્રૉડ માટેની પ્રતીકાત્મક તસવીર
દાદરના કપડાંના એક વેપારીએ સોશ્યલ મીડિયા પર શૅરમાર્કેટ સંબંધિત જાહેરાતો જોઈ હતી. એમાં ગુપ્ત સ્વરૂપમાં આઇપીઓની માહિતી આપવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી. એની સાથે તેઓ જે વૉટ્સઍપ ગ્રુપમાં જોડાયા હતા એમાં અનેક લોકોને મોટો પ્રૉફિટ થયો હોવાના મેસેજ પણ મૂકવામાં આવ્યા હતા. એને જોઈને વેપારીએ પણ ધીરે-ધીરે કરીને ૫.૩૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વેપારી પોતાના પ્રૉફિટ સાથે જ્યારે પૈસા કાઢવા ગયા ત્યારે તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ચીરાબજારમાં ઠાકુરદ્વાર પોસ્ટ-ઑફિસ પાસેની એક સોસાયટીમાં રહેતા અને દાદર-વેસ્ટમાં કપડાંની દુકાન ધરાવતા ૩૯ વર્ષના ભાવેન નિશરે કરેલી ફરિયાદ અનુસાર સોમવારે તેઓ ફેસબુક જોઈ રહ્યા હતા ત્યારે બૅન્ક નિફ્ટી ઑપ્શન ટ્રેડિંગ વિશેની એક જાહેરાત જોઈ હતી. તેમણે એના પર ક્લિક કર્યું એટલે તેઓ એક વૉટ્સઍપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. આ ગ્રુપ પર બૅન્ક નિફ્ટી સંબંધિત માહિતી આવી હતી. એ જ વૉટ્સઍપ ગ્રુપમાં આઇપીઓ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આઇપીઓ ગુપ્ત સ્વરૂપમાં હશે. એના પર ગ્રુપના અનેક લોકોએ રોકાણ કરીને મોટો પ્રૉફિટ મેળવ્યો હોવાની માહિતી પણ લખવામાં આવી હતી. ત્યાર બાદ ફરિયાદીએ ધીરે-ધીરે કરીને આશરે ૫.૩૦ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા હતા. એ પછી રોકાણ કરેલી રકમ પર નફાની રકમ ૭૫,૪૪,૬૦૭ રૂપિયા જોવા મળી હતી. જ્યારે તેઓ રકમ ઉપાડવા ગયા ત્યારે ૩.૭૭ લાખ રૂપિયા પ્રૉફિટ ગેઇન ટૅક્સની રકમ ભરવાનું કહેવામાં આવ્યું હતું. એ તેમને શંકાસ્પદ લાગ્યું હતું એટલે તેમણે વૉટ્સઍપ ગ્રુપ પરની અન્ય વ્યક્તિઓનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમના તમામ મોબાઇલ બંધ હતા. છેવટે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં આ ઘટનાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
એલટી માર્ગ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ અમે નોંધી વધુ તપાસ આ કેસમાં હાથ ધરી છે. એ સાથે કયા અકાઉન્ટમાં પૈસા ગયા એની માહિતી કાઢવામાં આવી રહી છે.’