07 June, 2024 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેમ્બુરમાં ગઈ કાલે ગુજરાતી પરિવારનાં દુકાન અને ઘર પડી ભાંગ્યાં હતાં. તેમના ઘરમાંથી ગૅસ-સિલિન્ડર બહાર કાઢીને મૂકવામાં આવ્યાં હતાં (તસવીર: અનુરાગ અહિરે)
ચેમ્બુરમાં ગૉલ્ફ ક્લબ પાસે સ્મોક હિલ સલૂન ચલાવતા અને દુકાનની પાછળના ભાગમાં જ રહેતા લિમ્બચિયા પરિવારના ઘરમાં ગઈ કાલે સવારે લીક થયેલો ગૅસ ધડાકા સાથે ફાટ્યો હતો અને આગ લાગી હતી. એ ધડાકો એટલો મોટો હતો કે તેમનું એક માળનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં લિમ્બચિયા પરિવારના આઠ જણને ઈજા થઈ છે, જેમાંથી ૪ જણ ગંભીર છે. એ સાથે જ અન્ય એક વ્યક્તિ પણ આ ઘટનામાં ઘાયલ થઈ છે. ઘાયલ લોકોને ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ગૅસ લીક થવાને કારણે આગ લાગવાની આ ઘટના ગઈ કાલે સવારે ૭.૩૭ વાગ્યે બની હતી. આ ઘટના વિશે માહિતી આપતાં આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક મહાદેવ શંકર શિવગને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં ગૅસ-સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હોવાનું કહેવાતું હતું, પણ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો નથી. ગૅસ લીક થયો હતો અને એ ફાટતાં આગ લાગી હતી તથા સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. એ સલૂન પણ તેમનું જ છે. આગળ સલૂન છે અને પાછળ પરિવાર રહેતો હતો. ઘરમાં ઍર-કન્ડિશનર લાગ્યું હતું, પણ વેન્ટિલેશન નહોતું. દુકાનનું શટર પણ તૂટી ગયું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓએ સ્પૉટ પર બ્લાસ્ટ પછી જે જોખમી દીવાલો હતી એ તોડી પાડી હતી અને અત્યારે એ કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઘટનામાં બે બાળકો, એક છોકરો અને એક છોકરી દાઝ્યાં છે; પણ તેમને ઈજા ઓછી છે. પરિવારના ચાર સભ્યો વધુ દાઝ્યા છે તેમને હાલ શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.’
BMCના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં ફાયર-એન્જિન અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. અડધો કલાકમાં જ ૮.૦૮ વાગ્યે આગ ઓલવી નાખવામાં આવી હતી. આગની આ ઘટનામાં ઓમ લિમ્બચિયા (૯ વર્ષ), મહેક લિમ્બચિયા (૧૧ વર્ષ), અજય લિમ્બચિયા (૩૩ વર્ષ) અને પૂનમ લિમ્બચિયા (૩૫ વર્ષ)ની ઈજાઓ બહુ ગંભીર નથી. નીતિન લિમ્બચિયા (૫૫ વર્ષ), જ્યોત્સ્ના લિમ્બચિયા (૫૩ વર્ષ), પ્રીતિ લિમ્બચિયા (૩૪ વર્ષ) અને પીયૂષ લિમ્બચિયા વધુ પ્રમાણમાં દાઝ્યાં છે. અન્ય એક વ્યક્તિ સુદામ શિરસાટ (૫૫ વર્ષ)ને આ બ્લાસ્ટને કારણે માથામાં અને પગમાં ઈજા થઈ હતી.
અમે ચાર-પાંચ જણ ફ્રેશ થવા બીજી રૂમ પર ગયા એટલે બચી ગયા
આખી રાત દુકાનમાં જ સૂતેલા ભરત લિમ્બચિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ચાર-પાંચ જણ દુકાનમાં જ સૂતા હતા, કારણ કે દુકાનમાં ઍર-કન્ડિશનર (AC) છે. દુકાનની ઉપરના ઘરમાં પણ AC છે. એમાં અમારા પરિવારના બીજા સભ્યો સૂતા હતા. સવારના વહેલા ઊઠીને અમે પાછળના બિલ્ડિંગમાં ભાડેથી રાખેલી રૂમમાં ફ્રેશ થવા ગયા હતા એટલે બચી ગયા, નહીં તો અમે પણ ઘાયલ થયા હોત. અમારા બાપદાદા મૂળ કરાચીના છે. અમે ત્યાંથી અહીં આવ્યા અને સ્થાયી થયા છીએ. આ દુકાન તેમણે ચાલુ કરેલી. એને લગભગ ૪૫ કરતાં વધુ વર્ષ થઈ ગયાં છે. હાલ પરિવારની બે મહિલાઓ જ્યોત્સ્ના અને પ્રીતિને તથા પીયૂષને વધારે ઝાળ લાગેલી છે. ડૉક્ટર કહે છે તે તેઓ ૪૦થી ૫૦ ટકા દાઝ્યાં છે. હાલ અમે તેમને ઐરોલી બર્ન્સ હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.’