07 August, 2022 09:12 AM IST | Mumbai | Mehul Jethva
હિંમત હોય તો અમને પકડી બતાવો એવી ચૅલેન્જ કરતા હોય એમ વસઈ-વિરારના પોલીસ કમિશનરના નામે સિનિયર અધિકારી પાસે ગિફ્ટ કાર્ડની માગણી કરી
મુંબઈ ઃ સાઇબર છેતરપિંડી કરનારા ગઠિયાઓ રોજેરોજ નવી-નવી કાર્યપદ્ધતિથી છેતરપિંડી કરતા હોય છે. જોકે હવે તો છેતરપિંડી કરતા ગઠિયાઓએ હદ કરી દીધી છે. વસઈ-વિરાર પોલીસ કમિશનરનો ફોટો અજ્ઞાત વૉટ્સઍપ પર ડીપી તરીકે રાખીને વસઈ-વિરાર કમિશનર રેન્જના કેટલાક સિનિયર અધિકારીઓ પાસેથી પ્રાઇવેટ કંપનીનાં ગિફ્ટ કાર્ડ માગવામાં આવ્યાં હતાં. જોકે અધિકારીઓની સતર્કતાને ધ્યાનમાં લઈને એક પણ અધિકારી છેતરપિંડીનો શિકાર બન્યો નહોતો. આ ઘટનાની ફરિયાદ ભાઈંદર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
ભાઈંદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મુગુટરાવ પાટીલને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે એક અજ્ઞાત નંબર પરથી વૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. એના ડીપીમાં વસઈ-વિરારના પોલીસ કમિશનર સદાનંદ દાતેનો ફોટો જોઈને મુગુટરાવ પાટીલે સામે જવાબ આપ્યો હતો. એ પછી સામેવાળા સાઇબર ગઠિયાએ થોડી વાતો કરીને કહ્યું હતું કે ‘હું હાલમાં મીટિંગમાં છું. મારે એક જણને ઍમેઝૉનનાં ગિફ્ટ કાર્ડ આપવાનાં છે એ તું હાલમાં અરેન્જ કરી શકીશ?’ એટલે મુગુટરાવ પાટીલે હા પાડી હતી. જોકે વધુ વાત કરતાં તેમને શંકા થઈ હતી. એ પછી તેમણે કમિશનરની ઑફિસે ફોન કરી વધુ માહિતી મેળવતાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેમણે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાઈંદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મુગુટરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૉટ્સઍપના ડીપીમાં કમિશનરસાહેબનો ફોટો હતો એટલે મેં વાત કરી હતી, પણ જ્યારે સાઇબર ગઠિયાએ પૈસાની માગણી ચાલુ કરી ત્યારે મને શંકા ગઈ હતી, કેમ કે મારા કમિશનર નૉન-કરપ્ટ અધિકારી છે, તેઓ આવું કરી શકે જ નહીં. એ પછી મેં કમિશનરની ઑફિસથી માહિતી મેળવી ત્યારે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં મેં ફરિયાદ નોંધાવી હતી.’