ગુજરાતી સિનિયર સિટિઝનની જીવનભરની મૂડી ડિજિટલ-અરેસ્ટના નામે પડાવી જનારા આરોપીઓની સુરત જઈને કરી ધરપકડ

01 January, 2025 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે, માસ્ટરમાઇન્ડ હજી ભાગતો ફરે છે : સાઇબર ગઠિયાઓએ ૮.૬૦ લાખ રૂપિયા પડાવ્યા હતા

મલાડ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ.

મલાડ-વેસ્ટમાં રામચંદ્ર લેનમાં રહેતા ૬૮ વર્ષના બિપિન શાહને ૨૧ ડિસેમ્બરે ફોન કરી મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરવાની ધમકી આપી ૮.૬૦ લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં મલાડ પોલીસે સુરતમાંથી માસ્ટરમાઇન્ડ ૨૧ વર્ષના જય મોરડિયા સાથે ધરમ ગોહિલ, સંદીપ કેવડિયા અને જય આસોદરિયાની ધરપકડ કરી છે. આરોપી બૅન્કમાંથી પૈસા કાઢવા આવ્યા ત્યારે પોલીસે છટકું ગોઠવીને તેમને પકડી પાડ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાઇબર છેતરપિંડી કરતી ગૅન્ગના સભ્યો છે, જેઓ માત્ર પૈસા કઢાવીને એને મૂળ આરોપી સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. આરોપીઓ પાસેથી સુરતના જરૂરિયાતમંદ નાગરિકોના બૅન્ક-અકાઉન્ટ ટ્રાન્ઝૅક્શન માટે વાપરતા હોવાની માહિતી પોલીસને મળી છે. આરોપીઓ પાસેથી પોલીસે પચાસ ટકા રકમ રીકવર કરી છે.

આરોપીએ બિપિનભાઈને ફોન કરીને મની લૉન્ડરિંગ કેસમાં તમારી ધરપકડ કરવા ઘરે આવીશું એમ જણાવી કલાકો સુધી વિડિયો-કૉલ કરીને તેમની ડિજિટલ અરેસ્ટ કરી હતી એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર દીપક પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૧ ડિસેમ્બરે સવારે ૧૧.૩૦ વાગ્યે અજાણ્યા યુવાને બિપિનભાઈને ફોન કરીને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગોયલ નામની વ્ય​ક્તિએ મની લૉન્ડરિંગ કરી છે, જેમાં તમારી પણ સંડોવણી હોવાની માહિતી અમને મળી છે એટલે તમારી ધરપકડ કરવા અમે મુંબઈ આવી રહ્યા હોવાનું કહ્યું હતું. એ ફોન પૂરો થતાં થોડી વારમાં જ બિપિનભાઈને અજાણ્યા નંબરથી વિડિયો-કૉલ આવ્યો હતો. એ કૉલ ઉપાડતાં સામેની વ્ય​ક્તિ પોલીસના યુનિફૉર્મમાં જોવા મળી હતી. તેણે બિપિનભાઈને કહ્યું કે તમારે આ કેસમાંથી છુટકારો જોઈતો હોય તો તાત્કાલિક દસ લાખ રૂપિયા આપવા પડશે. એનાથી ડરીને બિપિનભાઈએ જીદંગીભરની ૮.૬૦ લાખ રૂપિયાની જમાપૂંજી આરોપીએ આપેલા બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ ઘટના બાદ સાંજે તેમની પુત્રી ઘરે આવી ત્યારે છેતરપિંડી થયા હોવાની ખાતરી થતાં તેમણે બીજા દિવસે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’

આરોપી બૅન્કમાંથી પૈસા કાઢવા આવ્યા અને અમારા હાથે લાગ્યા એમ જણાવતાં પોલીસ-ઇન્સ્પેક્ટર દીપક પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ છેતરપિંડી કરીને સુરતના જે  બૅન્ક-અકાઉન્ટમાં પૈસા લીધા હતા એના પર અમે વૉચ રાખી હતી. ફરિયાદ નોંધ થઈ એ દિવસે આરોપીઓએ માત્ર પચાસ ટકા રકમ કાઢી હતી એટલે અમને એવી શંકા હતી કે આરોપી બીજી રકમ કાઢવા બીજા દિવસે આવશે. એ શંકાના આધારે અમે સુરત પહોંચ્યા હતા અને બૅન્કની બહાર છટકું ગોઠવીને બૅન્કના અધિકારીઓને વિશ્વાસમાં લઈને આરોપી આવે તો ઇશારો કરવા કહ્યું હતું. અંતે ત્રણથી ચાર કલાકની અમારી મહેનત રંગ લાવી હતી અને આરોપીઓને પકડવામાં અમને સફળતા મળી હતી. મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપી જય મોરડિયા હોવાનું માલૂમ થયું છે, તે મૂળ રાજકોટનો રહેવાસી છે. આરોપીઓનું કામ માત્ર પૈસા કઢાવીને ત્રીજા માણસ સુધી પહોંચાડવાનું હતું, જેમાં તેમને નાનું-મોટું કમિશન મળતું હતું. આ કેસમાં અમે વધારે તપાસ હાથ ધરી છે.’

malad mumbai police cyber crime crime news mumbai crime news news mumbai mumbai news