07 February, 2023 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે શહેરના ૩૬ વર્ષના આઇટી પ્રોફેશનલ સાથે સાઇબર ફ્રૉડસ્ટર્સે ૨.૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
પોલીસ-અધિકારીએ સોમવારે જણાવ્યા પ્રમાણે ફરિયાદના આધારે નૌપાડા પોલીસે રવિવારે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અને આઇપીસીની કલમ ૪૨૦ હેઠળ એફઆઇઆર દાખલ કર્યો હતો.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેણે ૨૦૨૨ની ૧૮ સપ્ટેમ્બરે એક ટ્રાવેલ એજન્સીની વેબસાઇટ પર નાશિક સુધીની કૅબ બુક કરાવવાની કોશિશ કરી હતી. પીડિતે વેબસાઇટ પરના ફોન-નંબર પર તથા ઈ-મેઇલ મારફત એજન્સીને તેની વિગતો આપી હતી. થોડી જ વાર પછી તેને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે તેને એજન્સીની વેબસાઇટ પર સો રૂપિયા ચૂકવવા અને બાકીની રકમ ટ્રિપ પછી આપવા જણાવ્યું હતું.
વારંવારના પ્રયાસો છતાં ફરિયાદી પેમેન્ટ કરી શક્યો નહોતો. થોડી વાર પછી તેના સેલફોન પર મેસેજ આવ્યો હતો કે તેના ક્રેડિટ કાર્ડની વિગતોના આધારે તેના બૅન્કના ખાતામાંથી ૮૧,૪૦૦ રૂપિયા, ૭૧,૦૮૫ રૂપિયા અને ૧,૪૨,૫૨૦ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કોસ્ટલ રોડનું નામ લતા દીદીના નામે રાખવાની મંગેશકર પરિવારે કરી માગ
એ પછી ભોગ બનનાર યુવકે બૅન્કને તેનું ક્રેડિટ કાર્ડ બ્લૉક કરવા જણાવ્યું હતું. પછીથી તેના ખાતામાં ૭૧,૦૮૫ રૂપિયા જમા થઈ ગયા હતા, પણ બાકીની ૨.૨૩ લાખ રૂપિયાની રકમ ગુમાવવી પડી હતી.