13 February, 2024 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રાઇમ બ્રાન્ચના કાર્યાલય બહાર નિવેદન માટે આવેલા અમુક રિક્ષાચાલકો.
બોરીવલીમાં શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા પ્રકરણે તમામ દિશાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અભિષેક ઘોસાળકર અને મૉરિસ નોરોન્હા બન્નેના ઓળખીતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. એ પ્રમાણે આ હત્યા-કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ૧૦ જેટલા રિક્ષાચાલકોની પૂછપરછ કરી તેમનાં નિવેદનો નોંધ્યાં છે. મૉરિસ અનેક રિક્ષાવાળાઓને રૅશન પણ આપતો રહેતો હતો. જે દિવસે હત્યાકાંડ થયો ત્યારે પણ અનેક રિક્ષાવાળાઓ મૉરિસની ઑફિસ બહાર ઊભા હતા, જે બહારની બાજુએ રસ્તા પર આવેલી અન્ય ઑફિસ અને દુકાનોના સીસીટીવી કૅમેરા પરથી પણ જોઈ શકાય છે તેમ જ મૉરિસની ઑફિસ બહાર એક રિક્ષા-સ્ટૅન્ડ પણ છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સાથે સાઇબર પોલીસ પણ તપાસ કરી રહી હોવાથી અનેક નવાં પાસાંઓ પણ સામે આવે એવી શક્યતા પણ છે.
દહિસરના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની ગઈ કાલ સુધી માત્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ આ કેસની તપાસ કરતી હતી, પરંતુ હવે ક્રાઇમ બ્રાન્ચની સાથે સાઇબર પોલીસે પણ હત્યાનું કારણ શોધવાનું શરૂ કર્યું છે. સાઇબર પોલીસ કેસની તપાસમાં આવવાનું કારણ એ છે કે અભિષેક ઘોસાલકર અને મૉરિસ વચ્ચેનો સંઘર્ષ ફેસબુક લાઇવ પર શરૂ થયો હતો અને ફેસબુક પર જ એનો અંત આવ્યો હતો. મૉરિસ અનેક વખત ફેસબુક લાઇવ કરીને વિવાદસ્પદ વાતો પણ બોલતો હતો, જેથી પોલીસ હવે સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘મૉરિસ અવારનવાર તેની ઑફિસમાંથી ફેસબુક લાઇવ કરતો હતો. તેણે ભૂતકાળમાં અભિષેક ઘોસાળકર અને તેના લોકો પર ટિપ્પણી કરી હતી. અભિષેક ઘોસાળકરની હત્યા સમયે મૉરિસની ઑફિસની બહાર રહેલા તમામ ઑટો-ડ્રાઇવરોને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.’