09 April, 2021 10:32 AM IST | Mumbai | Bakulesh Trivedi
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા હીરાબજાર, ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)માં હાલમાં ૧૦ ટકા સ્ટાફ સાથે કામકાજ ચાલી રહ્યું છે. સરકારના નોટિફિકેશન પ્રમાણે ૧૦ એપ્રિલથી બુર્સમાં આવનાર દરેક વ્યક્તિ પાસે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી હોવાથી બુર્સ દ્વારા જ એ માટે ત્રણ લૅબ સાથે ગોઠવણ કરી બુર્સના મહત્ત્વના ૬ એન્ટ્રી-પૉઇન્ટ પર તેમને કાઉન્ટરની જગ્યા ફાળવીને વેપારીઓ, દલાલભાઈઓ, ઑફિસ કર્મચારીઓ બધા માટે ટેસ્ટની સુવિધા ઊભી કરી છે. આ બાબતનો સર્ક્યુલર પણ બહાર પાડી બધાને જાણ કરી છે. જોકે એ ટેસ્ટનો રિપોર્ટ આવતાં એકથી ત્રણ દિવસનો સમય લાગી શકે એમ હોવાથી આજે શુક્રવારથી જ વેપારીઓ, દલાલભાઈઓ ટેસ્ટ કરાવી શકશે જેથી તેમને સોમવારે રિપોર્ટ મળી જાય તો આવવા-જવામાં મુસીબત ન પડે. જોકે એ ટેસ્ટ કરાવવા તેમણે ૪૫૦થી લઈને ૫૧૫ રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે.
બીડીબીમાં આવેલી કસ્ટમ્સ સરકારી ઑફિસ હોવાથી ચાલુ જ છે. એક્સપોર્ટ પણ ચાલુ છે, પણ હાલમાં કામ ધીમું ચાલી રહ્યું છે. નાના વેપારીઓ માટેના મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના હૉલમાં હાલમાં રોજ ૨૭૫ જણને એન્ટ્રી આપવામાં આવી રહી છે. જોકે એકસાથે વેપારીઓ આવી ન જાય એ માટે તેમને અસોસિએશન તરફથી ફૉર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે અને એ મુજબ તેમને આવવાના દિવસો ફાળવવામાં આવશે. એક વેપારીના જણાવ્યા મુજબ ગઈ કાલે માર્કેટમાં ૩૦૦-૪૦૦ જણની હાજરી હતી. અન્ય એક વેપારીએ કહ્યું હતું કે ‘શનિ-રવિ તો બંધ જ છે. એથી હવે સોમવારે જ માર્કેટ વ્યવસ્થિત ખૂલશે એનો અંદેશો લોકોને અને વેપારીઓને હતો જ એટલે ઘણા લોકો તો બે દિવસ પહેલાં જ બુધ-ગુરુમાં બહારગામ નીકળી ગયા છે અને તેઓ સોમવારે પાછા ફરશે. એથી શુક્રવારે પણ બજારમાં બહુ પાંખી હાજરી રહે એવું બને.’