29 December, 2022 07:41 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન) દ્વારા સંચાલિત સાયન હૉસ્પિટલ અને કેઈએમ હૉસ્પિટલમાં સીટી સ્કૅનની સુવિધા છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. જે દરદીઓને સીટી સ્કૅનની જરૂર હોય તેમને આશરે એક મહિનાથી વધુ સમયનું વેઇટિંગ આપી ખાનગી નિદાન કેન્દ્રોમાં રિફર કરવામાં આવી રહ્યા છે. એક બાજુ બીમારી અને બીજી બાજુ આવી તકલીફોથી દરદીઓ અને તેમનાં સગાંની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
કેઈએમ અને સાયન હૉસ્પિટલમાં રોજ હજારો દરદીઓ તપાસ માટે આવે છે અને હજારો દરદીઓ ત્યાં દાખલ છે, પરંતુ પાલિકા પ્રશાસનની બેદરકારીને કારણે આ બંને હૉસ્પિટલનાં સીટી સ્કૅન મશીનના ધાંધિયા છે. કેઈએમમાં એક જ મશીન ચાલે છે જ્યારે સાયન હૉસ્પિટલમાં મશીનનું ઠેકાણું નથી. નાયર હૉસ્પિટલમાં સીચી સ્કૅનનું મશીન જ બંધ છે. જેને કારણે હજારો દરદીઓ પરેશાની ભોગવી રહ્યા છે. ગંભીર રીતે બીમાર દરદીઓ અને અકસ્માત થયો હોય એવા લોકો માટે સારવાર શરૂ કરતાં પહેલાં સીટી સ્કૅન ઘણી વાર એક મહત્ત્વપૂર્ણ પરીક્ષણ હોય છે. આ બંને હૉસ્પિટલોમાં સીટી સ્કૅન મશીનો બંધ હોવાથી ડૉક્ટરો દરદીઓને બહારનાં ખાનગી કેન્દ્રોમાં તપાસ કરાવવાની સલાહ આપી રહ્યા છે. ખાનગી કેન્દ્રો પર સીટી સ્કૅનનો ચાર્જ એક હજારથી વીસ હજાર રૂપિયા સુધીનો છે. વિવિધ રોગો માટે વિવિધ પ્રકારનું સીટી સ્કૅન જરૂરી છે.
લોકોને કેવો અનુભવ થયો?
માઝગાવમાં રહેતાં કૃપા ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મમ્મી પ્રવીણાને આંખ અને માથાની પરેશાની હોવાથી ડૉક્ટરે અમને સીટી સ્કૅન કરવાની સલાહ આપી હતી. એ માટે અમે કેઈએમ હૉસ્પિટલ અને જે. જે. હૉસ્પિટલમાં માહિતી કાઢી ત્યારે દોઢ મહિનાનું વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે અમે એક સંસ્થાની મદદથી ભાંડુપમાં પ્રાઇવેટ સેન્ટરમાં સ્કૅન કરાવ્યું હતું. સંસ્થાની મદદ પછી પણ અમને સાડાછ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.’
થાણેમાં રહેતા રાહુલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં માતા-પિતા બંનેને ડૉક્ટરની સલાહ અનુસાર સીટી સ્કૅનની જરૂર હતી. એ માટે મેં સાયન હૉસ્પિટલમાં જઈને સીટી સ્કૅનની માહિતી માગી ત્યારે તેમણે સીટી સ્કૅન માટે ચોખ્ખી ના પાડી હતી. એ પછી મને આ સ્કૅન પાછળ ૧૯,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો.’
હૉસ્પિટલોનું શું કહેવું છે?
સાયન હૉસ્પિટલના ડીન મોહન જોશીનો ‘મિડ-ડે’એ સીટી સ્કૅન બંધ હોવા બાબતે માહિતી લેવા સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હાલમાં અમારી પાસે એક મશીન જૂનું હોવાને કારણે ક્યારેક બંધ થઈ જાય છે, પણ પાછું થોડી વારમાં ચાલુ થઈ જતું હોય છે. હાલમાં અમારી હૉસ્પિટલમાં સીટી સ્કૅન બાબત કોઈ પરેશાની નથી.’
તેમને જ્યારે એમ કહેવામાં આવ્યું કે અમારા રિપોર્ટરે હૉસ્પિટલમાં ગઈ કાલે સવારે જ માહિતી લીધી હતી ત્યારે હૉસ્પિટલના સ્ટાફે મશીન બંધ હોવાનું કહ્યું હતું ત્યારે એનો જવાબ તેમણે આપ્યો નહોતો. આ ઉપરાંત તેમની પાસેથી છેલ્લા એક અઠવાડિયામાં કેટલાં સ્કૅન થયાં છે એની માહિતી માગી હતી, પણ તેમણે એ માહિતી ‘મિડ-ડે’ને આપી નહોતી.
કેઈએમ હૉસ્પિટલનાં ડીન ડૉ. સંગીતા રાવતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે હાલમાં એક જ સીટી સ્કૅન મશીન ચાલુ છે. એમાં હાલમાં હૉસ્પિટલના ઇમર્જન્સી દરદીઓને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. બહારથી આવતા દરદીઓનું અમે અહીં સીટી સ્કૅન કરતા નથી. થોડા સમયમાં અમારી પાસે બીજું નવું સીટી સ્કૅન મશીન આવી જશે ત્યારે અમે બીજા દરદીઓને પણ સેવા આપી શકીશું.’
નાયર હૉસ્પિટલના ડીન ડૉ. પ્રવીણ રાઠીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે છેલ્લા દોઢ-બે મહિનાથી સીટી સ્કૅન મશીન બંધ છે. એનો એક પાર્ટ ખરાબ થઈ ગયો છે જેને નાખવા માટે અમે હાયર ઑથોરિટી પાસે સેન્ક્શન માગ્યું છે. એ આવ્યા પછી મશીન ફરી એક વાર શરૂ કરવામાં આવશે.’