08 October, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ પોલીસને વાશી, કામોઠે, બેલાપુર અને ખારઘરમાંથી અવારનવાર મહિલાઓ તરફથી મંગળસૂત્ર અને સોનાની ચેઇન ચોરાયાની ફરિયાદ મળી રહી હતી. એથી એ ચેઇન-સ્નૅચરોને પકડી લેવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અજય કુમાર લાંડગેએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘અમને આરોપીઓની ઇમેજ મળી હતી એથી તેઓને પકડવા અમારી સ્પેશ્યલ ટીમે હાઉસિંગ સોસાયટીઓ અને ઉલવેમાં આવેલી લૉજ અને હોટેલોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું અને આખરે ૪ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ૨૭ વર્ષનો સાગર મેહરા અને ૧૯ વર્ષનો અભય સુનીલકુમાર નૈન બન્ને ઉત્તર પ્રદેશના છે, જ્યારે ૨૭ વર્ષનો શિખા સાગર મેહરા દિલ્હીનો છે અને ૨૪ વર્ષનો અનુજ ચારી કોપરખૈરણેનો છે. આરોપીઓ પાસેથી એક મંગળસૂત્ર, ૩ ચેઇન, બે મોટરસાઇકલ એમ કુલ મળી ૭.૭૦ લાખ રૂપિયાની મત્તા તેમની પાસેથી જપ્ત કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ ગૅન્ગને ઝડપી લેવાથી ઓછામાં ઓછા ૧૦ ચેઇન-સ્નૅચિંગના ગુના ઉકેલાઈ જશે.’