૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં લાંચ લેવાના ૧૯૧ કેસ નોંધાયા

04 April, 2024 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮૬ ભ્રષ્ટ અધિકારીઓને ટ્રૅપ કરીને લાંચ લેતાં પકડવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં ૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ અને ભ્રષ્ટાચારને લગતા ૧૯૧ કેસ નોંધ્યા છે જેમાં ૧૮૬ લાંચ લેવાના ટ્રૅપ-કેસ, આવક કરતાં વધારે સંપત્તિના ૪ કેસ અને અન્ય એક કેસનો સમાવેશ છે. લૅન્ડ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સૌથી વધારે ટ્રૅપ-કેસ નોંધાયા છે. ત્યાર બાદ બીજા નંબરે પોલીસ અને રાજ્યમાં વીજ‍ળીપુરવઠો પૂરી પાડતી મહાવતિરણ કંપનીના કેસ છે. ૨૦૨૩માં આ જ સમયગાળા દરમ્યાન ૨૨૪ કેસ નોંધાયા હતા.

લૅન્ડ અને રેવન્યુ ખાતામાં ૫૭ કેસ, પોલીસ ખાતામાં ૩૨, મહાવિતરણમાં ૧૬, જિલ્લા પરિષદમાં ૧૫ અને પંચાયત સમિતિમાં ૧૫ કેસ નોંધાયા છે. લાંચ લેતી વખતે ટ્રૅપમાં સપડાયેલા અધિકારીઓમાં ક્લાસ થ્રીના ૧૩૪, ક્લાસ ટૂના ૨૫, ક્લાસ ફોરના ૧૫ અને ક્લાસ વનના ૧૫ અધિકારીઓનો સમાવેશ છે.

ટ્રૅપ-કેસમાં લાંચની કુલ રકમ ૬૪.૭૧ લાખ રૂપિયા હતી. પોલીસખાતાના અધિકારીઓએ ૨૨.૮૮ લાખ રૂપિયા, લૅન્ડ અને રેવન્યુ ખાતાના અધિકારીઓએ ૧૨.૭૧ લાખ રૂપિયાની લાંચ માગી હતી.

આવક કરતાં વધારે સંપત્તિના કેસ લૅન્ડ અને રેવન્યુ ખાતા, જિલ્લા પરિષદ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સામે નોંધાયા હતા. આ અધિકારીઓના કેસમાં ૬.૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ સંકળાયેલી છે.

Crime News mumbai crime news mumbai mumbai news mumbai police