12 September, 2023 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ: યુવાઓ ક્રિકેટ-મૅચમાં સટ્ટાના રવાડે ચડ્યા છે જેને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. એશિયા કપ હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં રમાતી ક્રિકેટ-મૅચ હોય, એમાં સટોડિયાઓ ઑનલાઇટ સટ્ટો રમીને પોતાનું નસીબ અજમાવતા હોય છે. જોકે એમાં કેટલાક લોકો કરોડપતિ બની ગયા છે તો કેટલાક રોડ પર આવી ગયા છે. હાલમાં ચાલી રહેલા એશિયા કપ માટે પોલીસને જાણ ન થાય એ રીતે સોશ્યલ મીડિયા પર આઇડી તૈયાર કરી એના દ્વારા મૅચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, એના આધારે ચેમ્બુરથી રવિવારે સાંજે એક યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૬ના અધિકારીને માહિતી મળી હતી કે હાલમાં એશિયા કપ ક્રિકેટ-મૅચ ચાલી રહી છે જેના પર ચેમ્બુર કૉલોનીમાં આનંદપુર દરબાર પાસે રહેતો અમિત પાસડ ક્રિકેટ-બેટિંગ કરવા માગતા લોકો પાસેથી બૅન્ક-અકાઉન્ટમાં પૈસા લીધા બાદ તેને સટ્ટો લગાવવા માટે આઇડી-પાસવર્ડ આપે છે. ત્યાર બાદ પોલીસે એક બોગસ ગ્રાહક તૈયાર કરી આરોપી અમિત સાથે વાત કરી હતી અને તેની પાસેથી ક્રિકેટ-બેટિંગ કરવા માટે આઇડી-પાસવર્ડ માગ્યો હતો, જેના બદલામાં અમિતે પોતાના બૅન્ક-અકાઉન્ટમાં ૫૦૦૦ રૂપિયા સ્વીકાર્યા હતા. અંતે પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ, લૅપટૉપ અને કૅશ જપ્ત કર્યાં હતાં.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૬ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર સાળુંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીને તાબામાં લીધા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી બીજા લોકોને ઑનલાઇન આઇડી આપી એની મદદથી મૅચ પર સટ્ટો રમાડી રહ્યો હતો.’
અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી www.lotusbook247.coની આઇડી આપતો હતો, જેમાં તેને ૩૦ ટકા કમિશન આપવામાં આવતું હતું. આ કેસમાં વધુ કેટલાક આરોપીઓ સંકળાયેલા હોવાની માહિતી અમને મળી છે.’