28 January, 2023 06:22 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ પ્રજાસત્તાક દિનના આગલા દિવસે અને એ પછીના દિવસે માત્ર અને માત્ર અદાણી ગ્રુપના નામે શૅરબજારની દશા બેસી ગઈ હતી. અદાણી ગ્રુપની સખત શબ્દોમાં નેગેટિવ વાતો અને ડેટાથી ભરેલા એક ફૉરેન રિસર્ચ એજન્સીના અહેવાલે અદાણી ગ્રુપના સ્ટૉક્સની સાથે-સાથે બજારની પણ વાટ લગાવી દીધી હતી. ખાસ કરીને બૅન્કોના સ્ટૉક્સની, કારણ કે અદાણી ગ્રુપની કંપનીઓ બહુ મોટેપાયે બૅન્કોનું દેવું ધરાવતી હોવાનું ચર્ચાતું રહ્યું છે. એકલા અદાણી ગ્રુપના અહેવાલે જાણે કે માર્કેટ ટ્રેન્ડ જ બદલી નાખ્યો હતો. બુધવારે ૭૦૦ પૉઇન્ટ ઉપર તૂટેલા સેન્સેક્સે શુક્રવારે સવારના કલાકમાં જ બીજા ૭૦૦ પૉઇન્ટ અને બપોર સુધીમાં ૧૦૦૦ પૉઇન્ટના કડાકાનાં દર્શન કરાવ્યાં હતાં. અદાણી ગ્રુપની છ કંપનીઓના ભાવ ૩ ટકાથી લઈ ૨૦ ટકા સુધી તૂટી ગયા હતા. કોની રમત હોઈ શકે આ?
આમ તો કહેવાય છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસના ફૉલોઑન પબ્લિક ઑફર (એફપીઓ)ને નિષ્ફળ બનાવવા આમ કરાયું છે, જ્યારે કે આ રિપોર્ટ બહાર પાડવા માટે જે સમય પસંદ કરાયો છે એ વિવિધ શંકાઓ અને સવાલો જગાવે છે. શું માત્ર અદાણીના એફપીઓને નિષ્ફળ બનાવવા આમ કરાયું હોઈ શકે? કે આમાં લાંબી રાજકીય રમત કે વ્યૂહરચના છે? કે પછી મંદીવાળાઓની મેલીરમત છે? જેમણે અદાણીના સ્ટૉક્સમાં ભારે શૉર્ટ સેલ્સ કર્યું હોવાનું બહાર આવ્યું છે, ખાસ કરીને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં. અદાણીને ટાર્ગેટ કરવાનો અર્થ એટલે કોને ટાર્ગેટ કરવા એ સમજાવવાની જરૂર ન હોય. અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓ પૂર્વે કે દરમ્યાન એના સ્ટૉક્સમાં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં મંદીનો ખેલો થયો હોવાનું (શૉર્ટ સેલ) માર્કેટમાં જાહેર છે.
સેબીએ તપાસ કરવી જોઈએ
હજી તાજેતરમાં જ નિયમન સંસ્થા સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)એ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કેવો અને કેટલો સટ્ટો થાય છે એનો અહેવાલ બહાર પાડી સૌને ચેતવ્યા હતા. સેબીના રિપોર્ટ મુજબ ભારતીય ડેરિવેટિવ્ઝ માર્કેટ (ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ)માં ૨૦૨૨માં ૮૯ ટકા ટ્રેડર્સે ખોટ નોંધાવી છે, ઍવરેજ ખોટ ૧.૧ લાખ છે. જ્યારે ૧૧ ટકા ટ્રેડર્સે નફો કર્યો છે, જેની સરેરાશ ૧.૫૦ લાખ છે. આમાંથી પણ માત્ર એક ટકો ટ્રેડર્સનો નફો ૫૧ ટકા છે. ડેરિવેટિવ્ઝ માર્કેટ એટલે મૂડીબજારનાં વિનાશક શસ્ત્રો એવું કાયમ કહેનાર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વૉરન બફેટને હાલ બધાએ વિશેષ યાદ કર્યા હતા. જોકે સેબી હવે પછી શું ઍક્શન લે છે એ સવાલ છે. આપણી માર્કેટમાં ઇક્વિટી કરતાં ડેરિવેટિવ્ઝ માર્કેટનું વૉલ્યુમ કાયમ અનેકગણું ઊંચું રહ્યું છે, જેનો અર્થ એ જ થાય કે સટ્ટાનો અતિરેક ચાલી રહ્યો છે, જેમાં મહત્તમ લોકો હોમાઈ કે ફસાઈ રહ્યા છે. માર્કેટની તંદુરસ્તી કથળી રહી છે છતાં સેબી શા માટે એની ઉપેક્ષા કરે છે અને યોગ્ય પગલાં લેતું નથી એ રહસ્ય છે. હવે જ્યારે સેબીએ પોતે એના અહેવાલમાં કડવું સત્ય બહાર પાડ્યું છે ત્યારે સેબી કંઈક કરશે એવી ચર્ચા શરૂ થઈ છે. સેબીએ આ આખા મામલાની પણ તપાસ કરાવવી જોઈએ.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સાથેની નિકટતાના સવાલ પર બોલ્યા ગૌતમ અદાણી, જાણો શું કહ્યું
અદાણી વિરુદ્ધ કાનૂની પડકાર
અદાણી ગ્રુપ વિશેના નેગેટિવ રિપોર્ટ બહાર પાડનાર કંપની હિન્ડનબર્ગ રિસર્ચ યુએસની છે અને એણે અદાણીને સવાલો પૂછીને લીગલ પડકાર પણ ફેંકયો છે. એણે ભારતીય તેમ જ યુએસ કોર્ટમાં અદાણી સામે લડવાની તૈયારી પણ બતાવી છે. બીજી બાજુ સીએલએસએ નામની રિસર્ચ કંપનીએ હિન્ડનબર્ગના રિપોર્ટને રિસર્ચ વિનાનો અને બદઇરાદાપૂર્વકનો અહેવાલ ગણાવ્યો છે અને આ રિપોર્ટથી અદાણીના શૅરોનું ડાઉનસાઇડ રિસ્ક મર્યાદિત રહેવાનો મત વ્યક્ત કર્યો છે. સીએલએસએ કહે છે કે અદાણી ગ્રુપમાં બૅન્કોનું એક્સપોઝર ૪૦ ટકાથી પણ ઓછું છે અને ખાનગી બૅન્કોનું વધુ ઓછું છે. અદાણી ગ્રુપ પરના ગંભીર આક્ષેપો મુજબ એ ખૂબ દેવામાં ડૂબેલી કંપની છે અને એને કારણે ઘણી બૅન્કો પણ મુસીબતમાં મુકાઈ શકે છે. જોકે હાલના ટ્રેન્ડને જોઈ જાણકારો બૅન્ક સ્ટૉક્સ નીચા ભાવે ખરીદવાનું સુચવે છે. બાય ધ વે, હવે માર્કેટની નજર બજેટ ઉપરાંત અદાણી ગ્રુપ પર પણ રહેશે. સાવચેતી અનિવાર્ય છે.
શું અસર થઈ?
દરમ્યાન ફોરેન કંપનીના રિપોર્ટ અંગે સેબીએ પણ તપાસનો દાયરો વધારી દીધો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સેબીએ અદાણી ગ્રુપની સ્ક્રૂટિની વધારી દીધી છે.
હિન્ડરબર્ગના રિપોર્ટ બાદ અને શોર્ટ સેલ્સ પછી અદાણીના સ્ટોકસમાં જે ગાબડાં પડયા છે તેમાં અદાણીની સંપત્તિનું પણ ધોવાણ થયું છે, તેની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરની નીચે આવી ગઈ છે.
આ તો જ્યૉર્જ સોરોસવાળી થઈ…
અગ્રણી માર્કેટ એક્સપર્ટ દેવેન ચોકસીના મતે અદાણી પ્રકરણમાં હિન્ડનબર્ગ રિસર્ચ કહે છે કે તેણે અદાણી કંપનીઓમાં યુએસ બૉન્ડ્સ મારફત શૉર્ટ પોઝિશન ઊભી કરી હતી, જેનું ટ્રેડિંગ માત્ર યુએસમાં થાય છે. આ એક જોખમી પરિબળ ગણાય, જે સાધન ભારતીય માર્કેટમાં ટ્રેડ થતું ન હોય એમાં યુએસમાં સોદા કરી આમ ભારતીય કંપનીઓના ભાવ તોડવા એ વાજબી ન ગણાય. આ તો એક પ્રકારનું ડબ્બા ટ્રેડિંગ ગણાય. આ રીતે તો ફૉરેન કંપનીએ અદાણી સાથે જે કર્યું એ આવતી કાલે બીજી ભારતીય કંપની સાથે પણ કરી શકે. ૧૯૯૦માં જ્યૉર્જ સોરોસે આવં્ આક્રમણ એશિયન કરન્સીમાં કર્યું હતું, જેમાં ઇકૉનૉમી અને ઍસેટ વૅલ્યુએશન તૂટી ગયાં હતાં. દેવેન ચોકસી કહે છે, આ ઘટનાથી પૅનિક થવાની જરૂર નથી, પરંતુ હાલ આ વાત રોકાણકારોને ગળે જલદી ઊતરશે નહીં. ભારતીય ઇકૉનૉમીનાં ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવા છતાં શૅરો આટલા કેમ તૂટ્યા એ રોકાણકારોને સમજાવવું કઠિન છે. સેબીએ ભારતીય સ્ટૉક્સમાં ફૉરેન પ્લૅટફૉર્મ પરથી ભારતમાં શૉર્ટ સેલ અને લિવરેજિંગ કરતા ટ્રેડર્સને કઈ રીતે અટકાવવા એ વિચારવાની જરૂર છે. આ પ્રકરણની બારીક તપાસ થવી જોઈએ.