ઝવેરીબજારમાં સાત વેપારીઓનાં પોણાચાર કરોડ રૂપિયાનાં સોનું અને દાગીના લઈને કારીગર નાસી ગયો

20 June, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સંદર્ભે એલ.ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચંદ્રપાલ યાદવની શોધ શરૂ કરી છે

પ્રતીકાત્મક તસવીર

ઝવેરીબજાર પાસેના માંડવીના ઝૈનબ હાઉસ ખાતે હીરાના દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા ચંદ્રપાલ યાદવને ઘણા ઝવેરીઓ દાગીના બનાવવાનું કામ આપતા હતા અને તે તેમનો વિશ્વાસુ હતો. જોકે તે વેપારીઓનો વિશ્વાસઘાત કરીને તેમણે દાગીના બનાવવા આપેલાં પોણાચાર કરોડ રૂપિયાનાં સોનું અને દાગીના લઈને નાસી ગયો છે. આ સંદર્ભે એલ.ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચંદ્રપાલ યાદવની શોધ શરૂ કરી છે.

આ કેસના મુખ્ય ફરિયાદી કેસરસિંહ ખરવડ વર્ષોથી ચંદ્રપાલ પાસે દાગીના બનાવડાવતા હતા. ઓછા પૈસામાં તે દાગીના બનાવી આપતો હોવાથી ઘણા જ્વેલર્સ તેને દાગીના બનાવવાનું કામ આપતા હતા. ૬ ફેબ્રુઆરીથી ૧૮ એપ્રિલ સુધીમાં તેણે કેસરસિંહ ખરવડ સહિત અન્ય કેટલાક જ્વેલર્સ પાસેથી દાગીના બનાવવાનો ઑર્ડર લીધો હતો. જોકે તે દાગીનાની ડિલિવરી આપવાનું ત્યાર બાદ ટાળવા માંડ્યો હતો. તેણે કેસરસિંહ ખરવડ સહિત સાત જ્વેલર્સ નીલેશ જૈન, સંકેત ડાંગી, વિકેશ જૈન, પીયૂષ સોની, જિનેશ પારેખ અને અન્ય એક જ્લેવર પાસેથી દાગીના બનાવવા પોણાચાર કરોડ રૂપિયાનું ૫.૧૯૨ કિલો સોનું લીધું હતું; પણ દાગીના બનાવીને આપ્યા નહોતા. એથી કેસરસિંહ ખરવડે તેની ફૅક્ટરી પર જઈને તપાસ કરતાં જા‌ણવા મળ્યું કે તે તો નાસી ગયો છે. એથી તેમણે આ સંદર્ભે એલ. ટી. રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી અન્ય ૬ જ્વેલરોએ પણ તેની સામે ફરિયાદ કરી હતી. પોલીસે આ બાબતે પહેલાં તપાસ કરી હતી અને એ માટેના ડૉક્યુમેન્ટ્સ ભેગા કરીને આખરે હવે ચંદ્રપાલ યાદવ સામે ફરિયાદ નોંધીને તેની શોધ ચાલુ કરી છે. એલ. ટી. માર્ગ પોલીસની ટીમ હવે તેને શોધવા અન્ય રાજ્યોમાં પણ જવાની છે. 

mumbai crime news Crime News zaveri bazaar mumbai police mumbai mumbai news