રેલવે ૧૨ દિવસથી એસી લોકલનો એક દરવાજો રિપેર નથી કરી શકતી

14 March, 2023 09:03 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ડોમ્બિવલીથી સીએસએમટીની સવારે ૮.૫૯ વાગ્યાની એસી લોકલના લેડીઝ કોચના બંધ દરવાજા બાબતે અનેક ફરિયાદ કર્યા બાદ પણ રેલવેને કોઈ ફરક નથી પડતો

ડોમ્બિવલીની એસી લોકલમાં બંધ દરવાજો અને ધસારાના સમયે ચડવા-ઊતરવા માટે જોવા મળતી ભીડ

સેન્ટ્રલ રેલવેમાં ડોમ્બિવલીથી સીએસએમટી જવા માટેની ૮.૫૯ વાગ્યાની એસી લોકલ ટ્રેનમાં મહિલાઓના કોચનો એક દરવાજો છેલ્લા ૧૨ દિવસથી બંધ છે એટલે લોકોને પરેશાની થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે તંત્રને આ બાબતે ફરિયાદ કરી હોવાના વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવા છતાં એનું કોઈ પરિણામ દેખાતું નથી. ઘાટકોપર અને દાદર રેલવે સ્ટેશન પર આ કોચ ફુટઓવર બ્રિજની સામે જ આવે છે એટલે મહિલાઓએ બંધ દરવાજાની બન્ને બાજુએ દોડીને ચડ-ઊતર કરવી પડે છે.

ડોમ્બિવલીથી સીએસએમટી જવા માટે દરરોજ સવારે ૮.૫૯ વાગ્યે સેન્ટ્રલ રેલવે દ્વારા એસી લોકલ દોડાવવામાં આવે છે. એસી લોકલમાં ત્રીજો કોચ મહિલાઓ માટેનો છે. આ કોચનો એક દરવાજો ૧૨ દિવસથી બંધ છે. આ વિશે બીજી માર્ચે પહેલું ટ્વીટ ડોમ્બિવલીમાં રહેતી ગુજરાતી મહિલા રેખા દેઢિયાએ કર્યું હતું. બાદમાં બીજી કેટલીક મહિલાઓએ પણ આ સંબંધે રેલવેનું ધ્યાન દોરવા ટ્વીટ કર્યું છે, પરંતુ એનું કોઈ પરિણામ હજી સુધી આવ્યું નથી.

ડોમ્બિવલીમાં રહીને પરેલમાં જૉબ કરતાં રેખા દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દરવાજો બંધ છે એટલે અમારે ચડવા અને ઊતરવા મુશ્કેલી પડી રહી છે. એસી લોકલ અમુલ સેકન્ડ જ ઊભી રહે છે એટલે દોડાદોડી કરવી પડે છે. બીજી માર્ચે આવી રીતે દોડાદોડી કરતી વખતે ત્રણ મહિલા લોકલમાં ચડતી વખતે પડી ગઈ હતી. રેલવે એસી લોકલ ચલાવે છે, પણ એક દરવાજો રિપેર નથી કરી શકતી. બીજું, એસી લોકલમાં દરરોજ મોટી સંખ્યામાં ટિકિટ વગરના લોકો ચડી જતા હોવા છતાં એના પર ધ્યાન નથી અપાતું. અમે વધારે રૂપિયા ખર્ચીએ છીએ તો પણ સુવિધા નથી મળતી. રેલવેના તમામ અધિકારી અને છેક રેલવેપ્રધાન સુધી ટ્વીટ કરવામાં આવ્યું છે, પણ હજી સુધી દરવાજો રિપેર નથી થયો.’

રેખા દેઢિયાએ ટ્વિટ કર્યા બાદ અનેક મહિલાઓએ દરવાજો બંધ હોવાથી થતી મુશ્કેલી બાબતે રેલવેનું ધ્યાન દોરવા માટેનો પ્રયાસ ટ્વીટના માધ્યમથી કર્યો છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. ગઈ કાલે પણ એક મહિલાએ વિડિયો શૂટ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

મહિલાઓ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વિડિયોમાં બંધ દરવાજા પર એક સ્ટિકર ચોંટાડેલું દેખાય છે. આ સ્ટિકર પર ‘આ દરવાજો અમુક સમય સુધી બંધ કરવામાં આવ્યો છે’ એવું લખવામાં આવ્યું છે.

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલીની એસી લોકલના દરવાજાની સમસ્યા વિશે સંબંધિત અધિકારીઓને જાણ કરી છે. તેઓ 
ઘટતું કરશે.’

mumbai news central railway mumbai local train prakash bambhrolia