26 December, 2022 08:14 AM IST | Mumbai | Suraj Pandey
મુંબઈ અને દિલ્હીના ગટરના પાણીમાંથી કોવિડનાં આરએનએ મળ્યા પછી બીએમસી અલર્ટ થઈ છે, પણ ગઈ કાલે મરીન ડ્રાઇવ પર ભેગા થયેલા માસ્ક વિનાના મુંબઈગરાની ભીડ જોઈને લાગે છે કે લોકોને હજી પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ નથી. (તસવીર : આશિષ રાજે)
કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ દિલ્હી અને મુંબઈની ગટરના પાણીમાં કોવિડ-19 આરએનએ (રિબોન્યુક્લિક ઍસિડ) હાજર હોવાનું જણાવ્યા બાદ મુંબઈએ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) પાસેથી આ વિશેની માહિતી બીએમસીએ માગી છે. જિનોમ સિક્વન્સિંગ શહેરમાં વાઇરસની હાજરી તેમ જ તેના સ્ટ્રેઇન વિશે જાણવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત આનાથી એનો પ્રસાર રોકવાની જરૂર પડી તો એ માટે વ્યૂહરચના ઘડવામાં મદદ મળશે.
શહેરમાં કોરોના વાઇરસની હાજરી વિશે જાણવા માટે આઇસીએમઆરે બીએમસી સાથે મળીને શહેરમાં વિવિધ સ્થળોએથી ગટરના પાણીના સૅમ્પલ્સ મેળવવાની શરૂઆત કરી દીધી છે તથા સાર્સ કોવ-૨ આરએનએની હાજરી જાણવા માટે આરટી-પીસીઆર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નામ ન આપવાની શરતે બીએમસીના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે શનિવારે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા ઇન્ડિયન સાર્સ-કોવ-૨ જિનોમિક્સ કૉન્સોર્શિયમને મળ્યા હતા. આ મીટિંગમાં દિલ્હી અને મુંબઈના ગટરનાં પાણીના સૅમ્પલમાં સાર્સ-કોવ-૨ના આરએનએ મળ્યા હોવાનું તેમ જ તેનો પૉઝિટિવિટી રેટ ઘણો ઊંચો હોવાનું જણાવાયું હતું. દર મહિને નિયમિત સર્વેલન્સ કરવામાં આવતું હોવા છતાં એનો રિપોર્ટ ન મળતો હોવાથી હાલના તબક્કે આપણને આ વિશેની પૂરતી જાણકારી નથી, આથી પુણેસ્થિત આઇસીએમઆરના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી (એનઆઇવી)ને રિપોર્ટ માટે જણાવાયું છે. જો સાર્સ-કોવ-૨ના આરએનએની હાજરી ઊંચી હશે તો કોવિડ-19ના કેસમાં વૃદ્ધિ નોંધાઈ શકે છે. આ વિશે ખાતરીપૂર્વક કાંઈ કહેવું શક્ય નથી.
એનઆઇવી સાથે મળીને બીએમસીએ વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળાના લગભગ ૩૦૦ જેટલા સૅમ્પલ્સ ભેગા કર્યા હતા, જેમાંથી ૫૦ સૅમ્પલનો ટેસ્ટિગ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જોકે જિનોમ સિક્વન્સિંગ માટે આ સંખ્યા ઘણી ઓછી હોવાથી વધુ સૅમ્પલ્સ એકઠા કરવામાં આવી રહ્યા છે.
‘મિડ-ડે’ સાથે બોલતાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. મંગલા ગોમારેએ કહ્યું હતું કે ‘વાઇરસની હાજરી વિશે જાણવા માટે ગટરના પાણીનું ટેસ્ટિંગ કરવું એ એક રૂટીન પ્રક્રિયા છે, પરંતુ જો એમાં સાર્સ-કોવ-૨ના આરએનએની માત્રા વધારે હશે તો આપણે અલર્ટ મોડ પર રહેવું પડશે. આવામાં કેસીસ સામાન્યપણે વધે એવી શક્યતા છે. જો જિનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં કોઈ નવો વાઇરસ ન જણાયો તો અમે પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હોવાથી મુંબઈગરાઓએ ભરાવાની જરૂર નથી.