22 December, 2022 09:15 AM IST | Mumbai | Prajakta Kasale
ચીનમાં કોરોના ટેસ્ટ કરી રહેલો મેડિકલ અધિકારી (તસવીર : એ.એફ.પી.)
ચીનમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવાની તાકીદ કરી છે ત્યારે મહારાષ્ટ્રના એપિડેમિક સર્વેલન્સ ઑફિસરે કહ્યું હતું કે પાડોશી દેશમાં ચિંતાનું કારણ બનેલો કોરોનાવાઇરસનો સ્ટ્રેઇન થોડા સમય પહેલાં કેટલાંક રાજ્યોમાં પોતાની મોજૂદગી નોંધાવી ચૂક્યો છે, પણ એ ખાસ કોઈ ચિંતાનું કારણ બન્યો નહોતો. આ તરફ શહેર સુધરાઈએ જણાવ્યું હતું કે જિનોમ સીક્વન્સિંગ સુપેરે ચાલી રહ્યું છે અને અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ચીન ઉપરાંત અમેરિકા, જપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધ્યા છે.
મહારાષ્ટ્રમાં એપિડેમિક બીમારીઓના સર્વેલન્સ ઑફિસર ડૉક્ટર પ્રદીપ આવટેએ કહ્યું હતું કે ‘હાલના તબક્કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અમે કેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. પરિસ્થિતિ ઘણા અંશે કાબૂમાં છે.’
ચીનમાં કેસ વધવા પાછળ કારણભૂત ઓમાઇક્રોનના બીએફ.7 સબ-વેરિઅન્ટના કેટલાક કેસ ઑક્ટોબરમાં ગુજરાત અને ઓડિશામાં નોંધાયા હતા. જોકે મહારાષ્ટ્રમાં આ વેરિઅન્ટના કોઈ કેસ સામે આવ્યા નથી કે ઇન્ફેક્શનમાં પણ વધારો નોંધાયો નથી. મુંબઈમાં આ મહિને અત્યાર સુધીમાં કુલ ૧૪૫ કેસ નોંધાયા છે.
ડૉક્ટર પ્રદીપ આવટેએ જણાવ્યું હતું કે ‘ઓમાઇક્રોનના સબ-વેરિઅન્ટ્સને કારણે કેસ વધી રહ્યા છે. ચીનમાં હાહાકાર મચાવી રહેલો બીએફ.7 અગાઉ ભારતના અમુક ભાગોમાં મળી આવ્યો હતો, પણ અહીં એના કારણે કેસ વધ્યા નહોતા. એ જ રીતે અમેરિકામાં બીક્યુ.1 અને બીક્યુ.1.1નો ઉપદ્રવ છે તો અન્ય દેશોમાંથી બીએ.2.75 અને બીએ.2 મળી આવ્યા છે. આ સબ-વેરિઅન્ટ્સે પણ ભારતમાં દેખા દીધી હતી, પણ કેસમાં વધારો થયો નહોતો.’
આનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું કે ‘દરેક દેશનો સમુદાય આગવી જિનેટિકલ લાક્ષણિકતા ધરાવે છે અને તે વિવિધ વેરિઅન્ટ્સ સામે વિભિન્ન રીતે કામ કરે છે. યુરોપમાં જુલાઈમાં બીએ.4 અને બીએ.૫ને કારણે કેસ વધ્યા હતા, પણ ભારતમાં આ વેરિઅન્ટ્સથી કેસમાં વધારો થયો નહોતો.’
શહેર સુધરાઈના વડા ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે ‘હાલમાં કેસ ઓછા છે, પણ અમે સતર્ક છીએ અને જિનોમ ટેસ્ટિંગ પર નજર રાખી રહ્યા છીએ.’