28 November, 2023 07:25 AM IST | Mumbai | Faizan Khan
આરોપી રોમિન છેડા (ટ્વિટર તસવીર)
કોવિડની કટોકટી વખતે શહેરીજનો જ્યારે ઑક્સિજન માટે ફાંફાં મારતા હતા ત્યારે માટુંગામાં રહેતા રોમિન છેડા નામના ગાર્મેન્ટ ફૅક્ટરીના માલિકે પોતાના રાજકીય કનેક્શનનો ઉપયોગ કરીને ઑક્સિજન પ્લાન્ટ્સ નાખવાના કૉન્ટ્રૅક્ટમાંથી ૩૦ કરોડ રૂપિયાની કથિતપણે કમાણી કરી હતી.
બીએમસી સાથે ૬.૩૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ગયા અઠવાડિયે રોમિન છેડાને અટકાયત હેઠળ લેવામાં આવ્યો હતો અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની અટકાયત વધુ બે દિવસ માટે મંજૂર કરી હતી.
પ્લાન્ટ નાખવામાં ઢીલ થઈ હોવા છતાં કૉન્ટ્રૅક્ટરને દંડ કરવામાં નહોતો આવ્યો એ વિશે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (ઈઓડબ્લ્યુ) તપાસ કરી રહી છે.
રોમિન છેડાએ પાવર ઑફ ઍટર્ની દ્વારા બીએમસીનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો હોવા વિશેની ઈઓડબ્લ્યુ તપાસ કરી રહી છે.
ઈઓડબ્લ્યુના અધિકારીએ જણાવ્યું હતું કે મૂળ કૉન્ટ્રૅક્ટરને આમાં ફક્ત બે કરોડ રૂપિયાની કમાણી થઈ હતી, જ્યારે રોમિન છેડાને ૩૦ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે કોવિડની અસર થોડી હળવી થયા પછી કેટલાક ઑક્સિજન પ્લાન્ટને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા હતા, જેની અમે તપાસ કરી રહ્યા છીએ.
સરકારી હૉસ્પિટલોમાં નવ અને જમ્બો કોવિડ સેન્ટર્સમાં છ ઑક્સિજન પ્લાન્ટ્સ માટે અલાહાબાદ સ્થિત હાઇવે કન્સ્ટ્રક્શન કંપનીને યુનિસ્સી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ૧૪૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો પણ આમાંથી તે બે કરોડ રૂપિયા જ્યારે રોમિન છેડાને ૩૦ કરોડ રૂપિયા કથિતપણે મળ્યા હતા એવું ઈઓડબ્લ્યુને તપાસમાં માલૂમ પડ્યું હતું.
રોમિન છેડાના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ તપાસ-સંસ્થાને સહકાર આપી રહ્યા છે અને જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે હાજર રહ્યા છે.
ઈઓડબ્લ્યુના અધિકારીઓએ કહ્યું હતું કે ઑક્સિજન પ્લાન્ટ્સ નાખવાના કામમાં બે મહિનાની ઢીલ થઈ હતી.
કોવિડ દરમ્યાન થયેલા મનાતા ખીચડી સ્કૅમ, બૉડી બૅગ સ્કૅમ, કોવિડ જમ્બો સેન્ટર સ્કૅમ જેવાં કૌભાંડની તપાસ ઈઓડબ્લ્યુ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં રોમિન છેડાએ પોતાની રાજકીય વગના જોરે બીએમસીના ૩૬ કૉન્ટ્રૅક્ટ મેળવ્યા હતા. રોમિન છેડાને સૂરજ ચવાણ સાથે સંબંધ હોવાનું મનાય છે અને સૂરજ ચવાણને આદિત્ય ઠાકરે સાથે લિન્ક હોવાનું મનાય છે.