10 September, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કોરોનાકાળમાં બીએમસી દ્વારા મોટા પ્રમાણમાં કામ બંધ થવાથી મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ખીચડીનું વિતરણ કર્યું હતું. સત્તાધારી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ખીચડીના આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. એવામાં બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે બીએમસીએ ખીચડી વિતરણનો કૉન્ટ્રૅક્ટ જે કંપનીને આપ્યો હતો એ કંપની દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતનાં પુત્રી, ભાઈ અને પાર્ટનરને ૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા.
મુંબઈમાં અસંખ્ય લોકો બહારગામથી કામ કરવા માટે આવે છે. કોવિડમાં લૉકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે કામધંધા બંધ થઈ જતાં આવા હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમને ભોજન મળે એ માટે મુંબઈ બીએમસી દ્વારા ખીચડી બનાવીને વિતરણ કરવામાં આવી હતી. બીએમસીમાં સત્તાધારી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા મોટા પ્રમાણમાં ખીચડી વહેંચવાના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ કર્યો હતો.
કિરીટ સોમૈયાએ આ વિશે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમ્યાન બેકાર બની ગયેલા કામદારોને મુંબઈ બીએમસી દ્વારા ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત અને સુજિત પાટકરના પાર્ટનર રાજીવ સાળુંખેની સહ્યાદ્રિ રિફ્રેશમેન્ટ નામની બોગસ કંપનીને બીએમસીએ ખીચડી વિતરણનો કરોડો રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. આમાં ૬.૩૭ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોવા બાબતે એફઆઇઆર પણ નોંધવામાં આવ્યો છે.’