17 April, 2020 07:52 AM IST | Mumbai | Arita Sarkar
બૉમ્બે હૉસ્પિટલમાં અંદાજે ચાર ડૉક્ટરની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી છે.
બૉમ્બે હૉસ્પિટલમાં ચાર ડૉક્ટરોનાં ટેસ્ટ-રિઝલ્ટ પૉઝિટિવ આવતાં નર્સોએ દાવો કર્યો કે મૅનેજમેન્ટ તેમનું ટેસ્ટિંગ કરવાની ના પાડી તેમને ક્વૉરન્ટીનમાં રાખવાને બદલે કામ પર કાયમ રહેવા દબાણ કરે છે.
ઑપરેશન થિયેટરમાં કામ કરતી એક નર્સે મિડ-ડેને જણાવ્યું હતું કે ‘જનરલ સર્જરી, ઍનેસ્થેશ્યોલૉજી અને રેડિયોલૉજી વિભાગના અનેક ડૉક્ટરોનું કોરોના વાઇરસ ટેસ્ટિંગ પૉઝિટિવ આવ્યું છે. આ ડૉક્ટરો માત્ર થોડા સમય માટે પેશન્ટની મુલાકાત લે છે જ્યારે અમે આઠ કલાક તેમની સાથે ગાળીએ છીએ. અમે લગભગ સો જેટલી નર્સો હૉસ્ટેલમાં સાથે રહેતી હોવાથી તેમ જ અમારામાંથી અનેકને કોરોનાનાં લક્ષણો જણાતાં હોઈ અમે હૉસ્પિટલના મૅનેજમેન્ટને અમારું ટેસ્ટિંગ કરવા વિનંતી કરી, પરંતુ હૉસ્પિટલ મૅનેજમેન્ટ અમારી વાતને કાને ધરતું નથી. તેઓ અમારી સુરક્ષાનો વિચાર નથી કરતા.’
આ નર્સે વધુમાં જણાવ્યું હતું કે અમારામાંની કેટલીક નર્સોએ ટેસ્ટિંગ નહીં કરાય તો હડતાળ પર ઊતરવાની ધમકી આપી હતી, પરંતુ મૅનેજમેન્ટે જણાવ્યું હતું કે અમને બધાને પ્રાઇમરી અને સેકન્ડરી કૉન્ટૅક્ટના ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અમારું ફક્ત સ્ક્રીનિંગ (ટેમ્પરેચર માપવામાં આવે છે) કરાય છે, ટેસ્ટિંગ નહીં. જે નર્સોને કોરોનાનાં લક્ષણો જણાય તેમને હાઇડ્રોક્સિક્લોરોક્વિન (ઍન્ટિ-મલેરિયા ડ્રગ)ની ગોળી લઈને કામ પર ચડવા જણાવાય છે. જોકે અમારી સાથેના ડૉક્ટરો એમ કરવાથી હૃદયને નુકસાન થશે એમ જણાવી ગોળી ન લેવાની સલાહ આપે છે.
બૉમ્બે હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ફિઝિશ્યન ડૉક્ટર ગૌતમ ભણસાલીએ જનરલ સર્જરી, ઍનેસ્થેશ્યોલૉજી અને જુનિયર ડૉક્ટરનું ટેસ્ટિંગ પૉઝિટિવ આવ્યું હોવાની વાતનું સમર્થન કરતાં નર્સોએ કરેલા આક્ષેપનો જવાબ આપી જણાવ્યું હતું કે અમે કોરોનાનાં લક્ષણ ધરાવતા ૧૨૦ કર્મચારીઓનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કર્યું છે. હૉસ્પિટલની મૅનેજમેન્ટ સરકાર દ્વારા નિર્દિષ્ટ તમામ માર્ગદર્શિકાનું પાલન કરે છે અને કર્મચારીઓની સારી સંભાળ રાખે છે.